ચૂંટણી પહેલા મોદી સરકારની ભેટ, મનરેગાની મજૂરીમાં 'બંપર' વધારો, જાણો ગુજરાતમાં કેટલું મળશે દૈનિક વેતન

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3થી લઈને 10 ટકા સુધીનો વધારો કર્યો છે. આ અંગે આજે નોટિફિટેશન પણ બહાર પાડવામાં આવ્યું. લોકસભા ચૂંટણી પહેલા વધારવામાં આવેલા આ મજૂરી દર નાણાકીય વર્ષ 2024-25 માટે છે. મનરેગા શ્રમિકો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગૂ થશે.

મનરેગા મજૂરીમાં થયેલો વધારો ચાલુ નાણાકીય વર્ષમાં કરાયેલા વધારા સમાન જ છે. નોટિફિકેશન મુજબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2023-24ની સરખામણીમાં 2024-25 માટે મજૂરી દરમાં સૌથી ઓછો 3.04 ટકાનો વધારો થયો છે. જ્યારે ગોવામાં સૌથી વધુ વધારવામાં આવી છે. અહીં મનરેગા હેઠળ મજૂરી દરમાં 10.56 ટકા સુધીનો વધારો થયો છે. સરકાર તરફથી આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છેકે જ્યારે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફંડ રોકવા મુદ્દે વિવાદ થઈ રહ્યો હતો.

નોટિફિકેશન માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાઈ
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વિકાસ મંત્રાલયે મજૂરી દરોને નોટિફાય કરતા પહેલા  ચૂંટણી પંચ પાસે તેની મંજૂરી માંગી હતી. કારણ કે લોકસભા ચૂંટણીના કારણે હાલ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે. ચૂંટણી પંચ તરફથી લીલી ઝંડી મળી જતા મંત્રાલયે તરત જ વધારે દરોનું નોટિફિકેશન બહાર પાડ્યું. અત્રે જણાવવાનું કે મજૂરી દરોમાં ફેરફાર કરવો એ એક નિયમિત પ્રક્રિયા છે.

સંસદમાં મળ્યા હતા સંકેત
આ વર્ષે સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પર સંસદીય સ્થાયી સમિતિએ રાજ્યોમાં મનરેગા મજૂરી દરોના ઓછા-વધુ હોવાની જાણકારી આપી હતી. સમિતિનું કહેવું હતું કે હાલ જે મજૂરી અપાઈ રહી છે તે પૂરતી નતી. જો અત્યારના સમયમાં રહેવાનો અને ખાવાનો ખર્ચો જોઈએ તો આ માટે મજૂરી દર પૂરતો નથી. સંસદીય સમિતિએ ન્યૂનતમ મજૂરી પર કેન્દ્ર સરકારની સમિતિ અનુપ સતપથી કમિટીના રિપોર્ટનો પણ હવાલો આપ્યો હતો. જેમાં ભલામણ કરાઈ હતી કે મનરેગા કાર્યક્રમ હેઠળ મજૂરી 375 રૂપિયા પ્રતિદિન હોવી જોીએ. તેનાથી એવું લાગ્યું હતું કે સરકાર મનરેગા મજૂરી દરમાં વધારો  કરી શકે છે.

શું છે મનરેગા
ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મનરેગા કાર્યક્રમની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. તેની ગણતરી દુનિયાના સૌથી મોટા રોજગાર ગેરંટી યોજનાઓમાંની એક તરીકે થાય છે. આ યોજના હેઠળસરકારે એક લઘુત્તમ વેતન નક્કી કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં તે વેતનના આધારે કામ મળે છે. મનરેગા હેઠળ કરાવવામાં આવતા કામ અકુશળ હોય છે. જેમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવા જેવા કામ સામેલ હોય છે. યોજના હેઠળ એક વર્ષમાં 100 દિવસોની રોજગારની કાનૂની ગેરંટી મળે છે.

ગુજરાતના શ્રમિકોને શું ફાયદો
ગુજરાતમાં ગત વર્ષે મનરેગા યોજના હેઠળ શ્રમિકોને અપાતા દૈનિક વેતન દરમાં વધારો કરીને 256 રૂપિયા કરવામાં આવ્યો હતો. જ્યારે આજે બહાર પડેલા નોટિફિકેશન મુજબ હવે ગુજરાતમાં મનરેગા હેઠળ અપાતા દૈનિક વેતનમાં વધારો કરીને 280 રૂપિયા દૈનિક વેતન કરવામાં આવ્યું છે. એટલે કે શ્રમિકોને કામ બદલ દૈનિક 280 રૂપિયા મળશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com