અરવલ્લી સમાચાર બ્યુરો
મોડાસા શહેરમાં હવામાન વિભાગની કમોસમી માવઠું થવાની આગાહીના પગલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતા 15 મિનિટ સુધી વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. જુદા જુદા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાહન ચાલકોને રસ્તા ઉપરથી પસાર થવા માટે હેડ લાઇટો શરૂ કરવાની ફરજ પડી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા.
બાયડ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ઓચિંતા વરસાદને લઈને ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યારે બાયડ તાલુકાના પશ્ચિમ પટ્ટામાં ગામોમાં વરસાદને લઈ બટાકામાં નુકસાન થવા પામ્યું છે. બાયડ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ઘઉં, વરિયાળી, જીરું, બટાકા, શાકભાજી અને મકાઈને મોટાપાયે નુકસાન જવાની ભિતી સર્જાઈ છે ખેડૂતોએ ભારે જહેમતથી તૈયાર થયેલો પાક અચાનક નષ્ટ થવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે
દધાલીયા અને મેઢાસણ પંથકમાં કરા સાથે કમોસમી માવઠું
મોડાસા તાલુકાના અફસાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવાર સાંજે વાવાઝોડું શરૂ થતાં ખેડૂતોમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. ખેડૂતોએ જમીનમાંથી બહાર કાઢેલા બટાકાને પાકને સુરક્ષિત કરવા મથામણ શરૂ કરી હતી. પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે તેમનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.
મોડાસા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને કરા સાથે વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોના ઘઉંને વ્યાપક નુકસાન થયું હતું. મોડાસા તાલુકામાં મોટાભાગના ખેડૂતોએ બટાકાના પાકને જમીનમાંથી બહાર કાઢી ખેડૂત પરિવારો બટાકાના ગ્રેડીંગની કામગીરીમાં વ્યસ્ત હતા. તે દરમિયાન હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક ભારે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડું શરૂ થતાં ખેડૂતોએ બટાકાના પાકને સુરક્ષિત કરવા ભારે મથામણ કરી હતી.