રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
વૈશ્વિક બજારોમાં મજબૂતીના વલણ વચ્ચે મંગળવારે સોના-ચાંદીના ભાવમાં અંધાધૂંધ વધારો જોવા મળ્યો. અમદાવાદમાં તો સોનું ઉછળીને 66500 રૂપિયાના રેકોર્ડ પર જોવા મળ્યું. ચાંદી પણ 2000 રૂપિયા ઉછળીને 73000 રૂપિયા સુધી પહોંચી ગઈ. આ જોતા સોનું અને ચાંદી લેવાની ઈચ્છા ધરાવતા લોકોના મનમાં પણ હવે સવાલ ઘૂમરાઈ રહ્યો હશે કે આગળ સ્થિતિ શું રહેશે? સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે કે પછી આ જ રીતે સોનું કૂદકે ને ભૂસકે આગળ વધતું રહેશે?
સોનામાં તોફાની તેજી
ગઈ કાલે અમદાવાદના સોના ચાંદીના બજારમાં સોનાના ભાવમાં 900 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 66 હજારની સપાટી કૂદાવી ગયા. શુદ્ધ સોનું (999 પ્યોરિટીવાળું) પ્રતિ 10 ગ્રામ 66500 રૂપિયા જોવા મળ્યા. જ્યારે ચાંદી પણ પ્રતિ કિલો 2000 રૂપિયા જેટલી ઉછળીને 730000 રૂપિયા સુધી પહોંચી ગઈ.
વૈશ્વિક બજારમાં પણ સપાટો
વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવ ઉછળીને 2135 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા હતા. સોનાના ભાવ ઉછળતા તેની પાછળ ચાંદીના ભાવ પણ વધતા જોવા મળ્યા. ચાંદીના ભાવ પણ વધ્યા અને 24.16 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. વિદેશી બજારમાં સ્થિર ડોલર છતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો થયો છે અને તે વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ગ્લોબલ ઈક્વિટીની સ્થિર ચાલ અને અમેરિકી ફેડરલ બેંકના વ્યાજ દરમાં કાપવાળા નિર્ણયો પર અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોને સુરક્ષિત રોકાણ વિકલ્પે આકર્ષિત કર્યા છે.