અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી:પ્રમુખ બાઈડેનને રાષ્ટ્રપતિ રેસમાંથી હટાવવા માટે ઓબામા પડદા પાછળ સક્રિય

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ બાઈડેનની ઉમેદવારીને લઈ રાજકારણ ગરમાયું છે. 27 જૂનની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડીબેટમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે નબળા પ્રદર્શન અને ભાષણ દરમિયાન સતત ભૂલોને લીધે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ચૂંટણીમાંથી હટી જવા લોકો માગ કરી રહ્યા છે. બીજી તરફ બાઈડેને રેસમાંથી બહાર થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ દરમિયાન શુક્રવારે અમેરિકી રાજકારણમાં ત્યારે હડકંપ મચી ગયો હતો જ્યારે એક ટીવી એન્કર અને બાઈડેનની પ્રચાર ટીમે આરોપ લગાવ્યો હતો કે વરિષ્ઠ ડેમોક્રેટિક નેતાઓની એક લાૅબી બાઈડેનને રાષ્ટ્રપતિની રેસમાંથી હટાવવા માટે ષડ્યંત્ર રચી રહ્યા છે.

અમેરિકન ટીવી શો ‘મોર્નિંગ જો’ના હોસ્ટ જો સ્કારબોરોએ દાવો કર્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગુપ્ત રીતે પડદા પાછળ બાઈડેનને હટાવવા સક્રિય થયા છે. સ્કારબોરોએ દાવો કર્યો હતો કે ઓબામાના મુખ્ય સહયોગીઓ ડીબેટ બાદ સતત બાઈડેનની ટીકા કરી રહ્યા છે. ઓબામાના પૂર્વ સહાયક જોન ફેવરો અને અભિનેતા જ્યોર્જ ક્લુનીએ આક્ષેપ કર્યો હતો કે વયના લીધે બાઈડેન હવે નબળા પડી રહ્યા છે.

પૂર્વ સ્પીકર પેલોસી: અમારી પાસે સમય નથી, બાઈડેન નિર્ણય લે
પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ બાઈડેનને નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, કારણ કે અમારી પાસે સમય ઘણો ઓછો છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પૂર્વ અભિયાન સલાહકાર પીટ ગિઆંગ્રેકોએ કહ્યું કે અમને ડેમોક્રેટિક પાર્ટી સાથે કોઈ સમસ્યા નથી, અમને બાઈડેન સાથે સમસ્યા છે.

રાષ્ટ્રપતિ બાઈડેન: શાસન કરવા માટે હું સૌથી લાયક ઉમેદવાર છું
રાષ્ટ્રપતિ બાઈડેને શુક્રવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં તેમની ક્ષમતાઓ દર્શાવીને આરોગ્યની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે મને લાગે છે કે હું શાસન કરવા માટે સૌથી લાયક છું. અગાઉ, બાઈડેને કહ્યું હતું કે માત્ર ભગવાન જ તેમને રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર કરી શકે છે.

કમલા હેરિસ: તો પછી તેમને ઉપ-રાષ્ટ્રપતિ કેમ બનાવત: બાઈડેન
બાઈડેને કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની માગને ફગાવી દેતા કહ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ માટે યોગ્ય હોત તો તેમને ઉપરાષ્ટ્રપતિ કેમ બનાવત. હકીકતમાં, ડેમોક્રેટ કમિટી દ્વારા કરવામાં આવેલા સરવેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત કોઈ ઉમેદવાર ટ્રમ્પને હરાવવા માટે સક્ષમ સાબિત થયા નથી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com