તા.14\3\2023 માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શારજાહ શરૂ થયા બાદ દાણચોરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. કસ્ટમ વિભાગથી બચવા માટે શારજાહથી સુરત સોનુ સંતાડીને લાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજે શારજાહથી બુરખા પહેરી આવેલી બે મહિલાઓ એક કિલો સોના સાથે ઝડપાઈ ગઈ હતી.
સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થતાની સાથે જ ઉદ્યોગ જગત માટે ખૂબ જ મોટી રાહત થઈ છે પરંતુ તેની સાથે સાથે કેટલાક લેભાગુતત્વો પૈસા કમાવવાની લાલચમાં દાણચોરી કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરતથી શારજાહની ફ્લાઇટમાં આવેલી બે મહિલાઓને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરીને સુરતમાં લાવવાનો તેમનો પ્રયાસ કસ્ટમ વિભાગે નિષ્ફળ કરી નાખ્યો હતો.
પકડાયેલી બંને મહિલા મૂળ સુદાન દેશની હોવાનું બહાર આવ્યું છે. મહિલાઓ સોનાની જ્વેલરી સાથે ઝડપાયા બાદ અધિકારીઓ પૂછતાછ કરતા તેમણે પોતે સુરતમાં કાપડ ખરીદી કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે કસ્ટમ વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ કરતા દાણચોરી કરીને શારજાહથી સુરત સોનુ લાવી રૂપિયા કમાવવી લેવાના લાલચે કૃત્ય કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.