માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
હાલ ચોમાસાની સિઝનની અરવલ્લી જિલ્લામાં શરૂઆત થઈ ગઈ છે એવું બે દિવસથી જણાઈ રહ્યું છે. જિલ્લામાં સતત બે દિવસથી અલગ અલગ તાલુકાઓમાં વરસાદ ચાલુ છે. ત્યારે ગત રાત્રી દરમિયાન ભીલોડા તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
ભિલોડામાં આજે બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો છે, ખાસ વાશેરા કંપા, સુનોખ વક્તાપુરના ગામોમાં આસપાસ આવેલા વાંધા કોતરોમાં પાણી વહી રહ્યા છે. ગત રાત્રી દરમિયાન ભિલોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી ભિલોડા નગરમાં રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો.
લીલછા, ખલવાડ, માંકરોડામાં વરસાદ ખાબક્યો છે. નવા ભવનાથ, ધોલવાની, રીંટોળામાં પણ વરસાદ ખાબક્યો છે. વરસાદ થતાં વાશેરાકંપા, સુનોખ પંથકમાં વાંધા કોતરોમાં પાણી વહ્યા હતા. ભિલોડાની નાદરી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને ફાયદો થશે. અસહ્ય ગરમીથી પણ પ્રજાજનોને છૂટકારો મળ્યો છે.