માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
રાણીપમાં શોર્ટ કટમાં પૈસા કમાવવામાં બે મિત્રે કોલ્ડપ્લેની કોન્સર્ટની રૂ. 12500ની 4 ટિકિટ 20 હજારમાં વેચવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઝોન 2 એલસીબીની સ્ક્વોડને જાણ થતા તેમણે વોચ ગોઠવીને ટિકિટની કાળાબજારી કરી રહેલા આ બંનેને ઝડપી ચાર ટિકિટો જપ્ત કરી છે. આરોપીઓએ ઓનલાઇન ટિકિટ ખરીદ્યા બાદ વધારે પૈસા કમાવવાની લહાયમાં ટિકિટની કાળાબજારી કરવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતંુ.
ઝોન 2 ડીસીપી ભરત રાઠોડની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, રાણીપ ભક્તિનગર રોડ પાસે બે યુવક કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેક કરી રહ્યા છે. એલસીબીની ટીમે વોચ ગોઠવીને વત્સલ કોઠારી (બોડકદેવ) અને બિસપ ખલાસ (રાણીપ)ની અટકાયત કરી હતી. પોલીસે બંને પાસેથી ચાર ટિકિટ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને યુવકે શોર્ટકટથી રૂપિયા કમાવવા પહેલાં ઓનલાઇન ટિકિટ બુક કરી હતી. તેઓ એક ટિકિટ 12,500ના ભાવે ખરીદીને 20 હજારમાં વેચવાના હતા.