માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
અગામી પાંચમી ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે, વર્ષ 1952 બાદ એટલે કે 72 વર્ષ વર્ષ બાદ શ્રાવણ માસ સોમવારે શરૂ થઈને સોમવારે સમાપ્ત થશે. સાથે સાથે અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી 3 સપ્ટેમ્બરે 30 દિવસ પૂરા કરીને સોમવારે જ પૂરો થશે. નવગ્રહ નડતર નિવારણ માટે દેવાધિદેવ મહાદેવની ઉપાસના, આરાધના સાથે દર્શન ઉત્તમ માનવામાં આવે છે.
આ વર્ષે યોગાનુયોગ સોમવારથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે. સામાન્ય રીતે ચાર સોમવાર આવતા હોય છે. શિવજીનો અતિપ્રિય સોમવાર શિવ ભક્તો માટે અતિ ઉમંગ, ઉત્સાહ સાથે નિત્ય શિવલિંગ પર જળાભિષેક સાથે વિશિષ્ટ પૂજાઓ કરીને અલગ-અલગ વ્યંજનોથી શણગાર કરવામાં આવશે.
આવનારા શ્રાવણ મહિનામાં ગ્રહોના યોગ પણ રચાશે, જેમાં બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશક યોગ થશે, જેમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ ગુરુ ચંદ્રનો નવ પંચમ યોગ ચંદ્ર મંગળ કુબેર યોગ શનિનો શશક યોગ તેમ જ ગુરુ-ચંદ્ર ગજ કેસરી યોગ રચાય છે. આમ આ મહાન પાંચ ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે, જે શ્રાવણ માસ જેવા સિદ્ધ માસને પરમ સિદ્ધિદાયી બનાવે છે. સંપૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર મંત્ર, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે.
શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ એકસાથે ત્રણ મહત્ત્વના યોગ બનશે, જેમાં અમૃત સિદ્ધિ યોગ, પ્રીતિયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રચાશે. જ્યારે સમગ્ર શ્રાવણ મહિનામાં અન્ય 9 યોગ જેવા કે અમૃત સિદ્ધિ યોગ, વજ્જર મૂસલ યોગ, કુમાર યોગ, રવિ યોગ, સિદ્ધિ યોગ, યોગ, સ્થિર યોગ, રાજયોગ, સિદ્ધિ યોગનો પણ સંયોગ થશે. આ પ્રકારના 9 યોગ 10 વર્ષ બાદ રચાવવા જઈ રહ્યા છે. જ્યારે શ્રાવણ માસમાં શુભ યોગ રચાતા હોય છે, તેવા સમયમાં કરેલી શિવ ઉપાસના અન્ય સમય કરતાં અનેક ગણું ફળ આપે છે. ઉપરોક્ત યોગો પૈકી અમુક યોગ ખૂબ જ સિદ્ધિદાયી યોગ ગણાય છે. આવા યોગ સમયે શ્રાવણ માસમાં સંકલ્પ કરી લઘુરુદ્ર, મહારુદ્ર જેવા અન્ય શિવપૂજા કરવામાં આવે છે. તો તરત ફળ પ્રાપ્તિ થાય છે. આવા શુભ સમયે રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ શિવ કૃપા પ્રાપ્ત થાય છે.