અરવલ્લી સમાચાર બ્યુરો
સાળંગપુર હનુમાનજીના મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોના સૂર ઉઠ્યા છે. હાલમાં જ ભીંતચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા દર્શાવાયા છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યાં હાલમાં વધુ એક વિવાદે જન્મ લીધો છે. જેમાં હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ તિલક લગાવવામાં આવ્યું તેને લઈને વિવાદ સર્જાયો છે. અહીં સાળંગપુર મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર એવી હનુમાનજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેમાં વિવિધ બાબતોને લઈને હવે તેને હટાવવાની માગ ઉઠી રહી છે.
અગ્રણીઓએ વિવાદને લઈ કહ્યુંઃ તાત્કાલીક હટાવો ભીંતચિત્રો
દરમિયાનમાં સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને નારાજગીનો સુર ઉઠ્યો છે. અહીં પ્રતિમામાં હનુમાનથીના લલાટ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભીંતચિત્રોના વિવાદ સાથે આ વિવાદ પણ જોડાઈ રહ્યો છે. હાલમાં જ મોરારી બાપુ, મણિધર બાપુ, કબરાઉ બાપુ સહિતના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તુરંત આ ભીંતચિત્રોને હટાવવાની માગ કરી છે.