'સોનાક્ષી-ઝહીરનાં લગ્ન હિંદુ ધર્મનું અપમાન':દીકરીને ટ્રોલ થતાં જોઈ ભડક્યા શત્રુઘ્ન, જડબાતોબ જવાબ આપતાં કહ્યું, 'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

આજકાલ સોનાક્ષી સિંહાને ઝહીર ઇકબાલ સાથેના તેના ઇન્ટરફેથ મેરેજને કારણે લોકો સતત ટ્રોલ કરી રહ્યા છે. 23 જૂને જ્યારે સોનાક્ષીએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે એક્ટ્રેસે કમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું જેથી કોઈ તેને ટ્રોલ ન કરી શકે.

સોનાક્ષીના લગ્નનો વિરોધ બિહાર પહોંચ્યો હતો. બિહારની હિંદુ શિવભવાની સેનાના એક કાર્યકર્તાએ લગ્નને લવ જેહાદ સાથે જોડીને ધમકી આપી હતી કે, જો શત્રુઘ્ન સિંહા તેની પુત્રીના લગ્ન પર પુનર્વિચાર નહીં કરે તો સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

સોનાક્ષી-ઝહીરનાં લગ્ન વખતે શત્રુઘ્ન સિંહા પણ હાજર હતા
સોનાક્ષી-ઝહીરનાં લગ્ન વખતે શત્રુઘ્ન સિંહા પણ હાજર હતા

શત્રુઘ્ન સિંહાએ આપ્યું રિએક્શન
હવે શત્રુઘ્ન સિંહાએ લગ્ન સંબંધિત વિવાદો અને સોનાક્ષી અને ઝહીરના ટ્રોલિંગ પર પોતાનું મૌન તોડ્યું છે. એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘આનંદ બક્ષી સાહેબે આવા વ્યાવસાયિક વિરોધીઓ માટે ખૂબ સારી વાત લખી હતી – કુછ તો લોગ કહેંગે, લોગ કા કામ હૈ કહેના.- ‘હું એટલું જ કહેવા માગું છું કે, બેકાર લોકો જો કંઈ કહે તો આવું કહેવું એ જ તેમનું કામ બની જાય છે. મારી દીકરીએ કશું ગેરકાયદે કે ગેરબંધારણીય કામ કર્યું નથી. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો અત્યંત અંગત નિર્ણય છે. આ અંગે કોઈને પણ ટિપ્પણી કરવાની કે દખલ કરવાની છૂટ નથી. જે લોકો લગ્નનો વિરોધ કરી રહ્યા છે, હું તેમને કહીશ કે જાઓ અને જીવનમાં કંઈક સારું કરો.’

હિન્દુ શિવભવાની સેનાએ શું કહ્યું?
હાલમાં હિન્દુ શિવભવાની સેનાના સભ્ય લવકુમાર સિંહ ઉર્ફે રુદ્રએ એક પોસ્ટર પ્રકાશિત કર્યું હતું જેમાં તેણે ધમકી આપી હતી કે તે સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં.

પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે,- સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનાં લગ્ન લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશનું ઇસ્લામીકરણ કરવાનો પ્રયાસ. શત્રુઘ્ન સિંહાજીએ લગ્નના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, અન્યથા તેમના પુત્રો લવ, કુશ અને તેમના ઘરનું ‘રામાયણ’ નામ તરત જ બદલી નાખવાં જોઈએ. આ હિંદુ ધર્મનું અપમાન છે.’

લગ્ન બાદ સોનાક્ષી સિંહાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે
લગ્ન બાદ સોનાક્ષી સિંહાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે

સોનાક્ષીએ ધર્મ બદલ્યો નથી
ઝહીર સાથેના લગ્નના સમાચાર સામે આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે, સોનાક્ષી પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ બની જશે પરંતુ એવું થયું નથી. ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીએ એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે સોનાક્ષી પોતાનો ધર્મ બદલશે નહીં.

સોનાક્ષી અને ઝહીરે હિંદુ અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા વિના 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કર્યાં હતાં. આ પછી તેમણે 23 જૂનની રાત્રે મુંબઈના બાસ્ટન રેસ્ટોરાંમાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું જેમાં સલમાન ખાન, રેખા, કાજોલ સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com