માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
યુક્રેને બે સપ્તાહ પહેલાં રશિયાના કુર્સ્ક વિસ્તારમાં ઘૂસણખોરી કરી વિશ્વને ચોંકાવી દીધું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત કોઈ દેશે રશિયાની જમીન પર કબજો જમાવ્યો છે. બે સપ્તાહમાં યુક્રેનને રશિયાના લગભગ 1263 ચોરસ કિમી વિસ્તાર પર કબજો જમાવ્યો છે. યુક્રેને રશિયાની અજેય હોવાની ધારણાને તોડી, પરંતુ નવો મોરચો ખોલ્યા પછી યુક્રેને તેની મર્યાદિત સૈન્ય ક્ષમતાને ઘણા અંશે ઘટાડી દીધી.
સૈન્ય નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેનિય રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની ટૂંકા ગાળાની રાજકીય જીત વ્યૂહાત્મક હારમાં બદલી શકે છે, કારણ કે રશિયાનું ધ્યાન હજુ પણ પૂર્વીય યુક્રેનના મોરચા પર છે. રશિયા ‘દુશ્મનોને અંદર આવવા દો પછી હુમલો કરો’ તેવી બીજા યુદ્ધની વ્યૂહનીતિ અપવાની શકે છે. તેના લીધે યુક્રેની સૈન્યનું કુર્સ્ક અભિયાન તેમના માટે જાળ સાબિત થઈ શકે છે.
રશિયાએ 1253 કિમી તો યુક્રેને 2 સપ્તાહમાં 1263 કિમી કબજે કર્યું
યુક્રેનની સેનાના કમાન્ડર-ઇન-ચીફ એલેક્ઝાન્ડર સિરસ્કીએ મંગળવારે જણાવ્યું હતું કે અમારા દળોએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રના 1,263 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો છે. યુક્રેનિયન દળો કુર્સ્કમાં લગભગ 28-35 કિમી સુધી આગળ વધ્યાં છે. યુક્રેનનો દાવો છે કે 6 ઓગસ્ટના રોજ થયેલા હુમલા બાદ યુક્રેન 2024ના વર્ષમાં રશિયા અત્યાર સુધી જેટલું કબજે કરી શક્યું હતું તેના કરતાં વધુ રશિયાની જમીન બે સપ્તાહમાં કબજે કરી લીધી છે. જાન્યુઆરી 2024 થી અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેનના 1,253 ચોરસ કિમી વિસ્તાર પર કબજો જમાવ્યો છે.
કુર્સ્ક હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ પુટિન 13 વર્ષ પછી ચેચેન્યા પહોંચ્યા
પુટિન 13 વર્ષ પછી ચેચેન્યા પહોંચ્યા જ્યાં પુટિન અને ચેચેન નેતા રમઝાન કાદિરોવે યુક્રેનમાં લડવાની તૈયારી કરી રહેલા ચેચેન સૈનિકોનું નિરીક્ષણ કર્યું. 2011 પછી ઉત્તર કાકેશસ ક્ષેત્રની પુટિનની આ પ્રથમ મુલાકાત છે. કાદિરોવ વારંવાર પોતાને પુટિનના ‘પગપાળા સૈનિક’ તરીકે વર્ણવે છે. અમેરિકા દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો
યુક્રેન મોસ્કોને પણ ડ્રોન હુમલાથી નિશાન બનાવી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે હવાઈ સંરક્ષણ દળોએ મોસ્કો અને તેની આસપાસના 11 ડ્રોનને ઠાર કર્યા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું કે મોસ્કો પર ડ્રોનથી હુમલો કરવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે.
મેદવેદેવે કહ્યું- યુક્રેન સાથે કોઈ વાતચીત નહીં થાય
રશિયાની સુરક્ષા પરિષદના નાયબ વડા દિમિત્રી મેદવેદેવે જણાવ્યું હતું કે શાંતિ માટે મધ્યસ્થીઓની વાટોઘાટો સમાપ્ત થઈ. કુર્સ્કમાં યુક્રેનની ઘૂસણખોરીનો અર્થ એ છે કે જ્યાં સુધી યુક્રેન સંપૂર્ણ રીતે પરાજિત ન થાય ત્યાં સુધી મોસ્કો-કિવ વચ્ચે કોઈ વાટાઘાટો થશે નહીં.