માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
દક્ષિણ ગુજરાતથી ઝારખંડ અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં એક સાથે બે સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વાદળિયા વાતાવરણ વચ્ચે સોમવારે સવારે શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જેથી શહેરનું મહત્તમ તાપમાન 1.6 ડિગ્રીને 36.3 તેમજ લઘુતમ તાપમાન 0.7 ડિગ્રી વધીને 28.3 નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા સુધી પહોંચી જતાં બફારાનો અનુભવ થયો હતો. વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 33થી 37 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર તેમજ દ્વારકા તેમજ મધ્ય ગુજરાતમાં અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.