PM મોદીનું ભવ્ય વેલકમ કરીને પુતિને જિનપિંગને આપ્યો સંદેશ! ચીન નહીં ભારત છે રશિયાનો 'ખાસ' મિત્ર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસના પ્રવાસે રશિયા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત દરમિયાન જ જાણે રશિયાએ ચીને આડકતરી રીતે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. મોસ્કો પહોંચ્યા ત્યારે પીએમ મોદીને જે પ્રકારે મહત્વ આપવામાં આવ્યું તેનાથી ચીનના રાષ્ટ્રપતિને પેટમાં દુખે તે સ્વાભાવિક છે. પીએમ મોદી જ્યારે રશિયા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે રશિયાના ફર્સ્ટ ડેપ્યુટી પીએમ ડેનિસ માન્ટુરોવ હાજર રહ્યા હતા. આ અગાઉ જ્યારે ચીની રાષ્ટ્રપતિ રશિયા પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત આ પ્રકારે જોવા મળ્યું નહતું. તે વખતે રશિયાએ માન્ટુરોવથી નીચલા પદના અધિકારીને જિનપિંગની આવભગત કરવા મોકલ્યા હતા.

નીચલા સ્તરના નેતાને મોકલ્યા?
પીએમ મોદીનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યા બાદ ફર્સ્ટ ડેપ્યુટી પીએમ માન્ટુરોવ તેમને કારમાં સાથે લઈને હોટલ સુધી છોડવા પણ ગયા. આ પ્રોટોકોલ એક મજબૂત સંકેત આપે છે કે રશિયા ભારત સાથેના પોતાના સંબંધોને કેટલું મહત્વ આપે છે. આ સ્વાગત ચીની રાષ્ટ્રપતિના ગત પ્રવાસ કરતા બિલકુલ અલગ છે, જ્યાં ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત નીચલા સ્તરના ડેપ્યુટી પીએમએ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પીએમ મોદી પહેલીવાર રશિયાના પ્રવાસે પહોંચ્યા છે.

દાયકાઓ જૂની મિત્રતા
કોલ્ડવોરના સમયથી જ ભારત અને સોવિયેત સંઘના સંબંધો એકદમ મજબૂત રહ્યા છે જે બાદમાં રશિયા અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી પણ ચાલુ છે. રશિયા એક સમયે ભારતનું સૌથી મોટું હથિયાર સપ્લાયર હતું. જો કે યુક્રેન સંઘર્ષે રશિયાના સૈન્ય સંસાધનોને ઓછ કર્યા છે જેના કારણે હાલના વર્ષોમાં ભારતની રશિયા પાસેથી આયાતમાં ઘટાડો થયો છે. આ સાથે જ ભારત રશિયાના સસ્તા તેલનો પ્રમુખ ખરીદાર દેશ પણ બનેલો છે. રશિયાની અર્થવ્યવસ્થામાં પણ ઓઈલનો મોટો ફાળો છે. તેણે ઉર્જા ભાગીદારીને એક નવું સ્વરૂપ આપ્યું છે. જેમાં ભારતે અબજો રૂપિયાની બચત કરી છે. જ્યારે રશિયાના યુદ્ધ કોષને પણ મજબૂત કર્યુ છે.

પીએમ મોદી ત્રીજીવાર સત્તા પર આવ્યા બાદ આ રશિયાનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે જે 2019 બાદ તેમનો પહેલો પ્રવાસ પણ છે. આવામાં જ્યારે ભારત રશિયા સાથે પોતાના લાંબાગાળાના સંબંધોને પશ્ચિમી તાકાતો સાથે વધતા સુરક્ષા સહયોગ સાથે સંતુલિત કરવા ઈચ્છે છે, રશિયા દ્વારા ઉચ્ચ સ્તરનું સ્વાગત, વૈશ્વિક પરિદ્રશ્યમાં પરિવર્તન છતાં એક ભાગીદાર તરીકે ભારતના સતત મહત્વને રેખાંકિત કરે છે.

જોવા મળ્યો અલગ અંદાજ
પીએમ મોદી મોસ્કો પહોંચ્યા બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને તેમને પોતાના આવાસ પર આમંત્રિત કર્યા હતા. મોદી જેવા દરવાજે પહોંચ્યા  કે પુતિને પહેલા તો તેમની સાથે હાથ મિલાવ્યો અને ત્યારબાદ ભેટી પડ્યા હતા. ત્યારબાદ પુતિન અને મોદીએ ઈલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટની પણ સવારી કરી. જેને પુતિને પોતે ચલાવી હતી. પુતિન આ દરમિાયન મોદીને સુંદર ગાર્ડન દેખાડતા રહ્યા.

મુલાકાત દરમિયાન પીએમ મોદી અને પુતિન વચ્ચેની મિત્રતા ઝલકી રહી હતી. પુતિને મોદીને પોતાના પરમ મિત્ર પણ ગણાવ્યા. બંને નેતાઓની કેમિસ્ટ્રી જોઈને ઙભારત રશિયાના દુશ્મનો પણ ધૂંઆફૂંઆ થતા હશે.  પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ જો કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સ્તરની અધિકૃત બેઠક મંગળવારે થવાની છે.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com