માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
મુંબઈ પોલીસે ફરી એકવાર બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ ચારની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા, વસીમ ચિકના અને રિઝવાન ખાન તરીકે થઈ છે.
આ માટે સપ્લાયર મારફત પાકિસ્તાન પાસેથી હથિયારો ખરીદવાની યોજના પણ બનાવવામાં આવી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરો AK-47, M-16 અને AK-92 મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત 18 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.
14મી એપ્રિલે એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું
આ પહેલાં 14 એપ્રિલે પણ સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે બાઇક પર આવેલા હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
બે દિવસ બાદ ફાયરિંગના બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.