માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વપ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે ગુજરાતનાં વિવિધ શહેર-જિલ્લા તથા દેશભરમાંથી મ્યુઝિક લવર્સ આવવાના છે. આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફુલ થઈ ગયા છે. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળાં ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે.
સ્ટેડિયમના ગેટ-નં 1 સામે મળે છે ભાડેથી રૂમ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે 400થી 500 નાનાં મોટાં ઘર આવેલાં છે. જ્યાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ-2023 ફાઇનલ સમયે પણ આસપાસના રહીશોએ રૂમ ભાડે આપ્યા હતા. જેને કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમથી નજીક જ રહેવાની સુવિધા મળે છે અને આસપાસના લોકો નાના-મોટા ધંધા દ્વારા કમાણી પણ કરી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે ગેટ નંબર-1 સામે જ ભાડેથી રૂમ મળી રહે છે. જેનું ભાડું રૂ.2,000 થી લઈને 5000 સુધીનું રહે છે તથા કેટલીક વખત થોડું દૂર ઘર હોય તો તેનાથી પણ ઓછા ભાવમાં ઘર અથવા તો રૂમ મળી રહે છે.
સ્ટેડિયમ નજીકના Airbnb પરના રૂમ બુક થઈ ગયા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 3-4 કિલો મીટરના અંતરમાં અનેક Airbnb એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવેલા ઘર અથવા રૂમ ઉપલબ્ધ છે. જેનું ભાડું પણ 2500થી લઈને 30 હજાર રૂપિયા સુધીનું છે. જો કે કેટલાંક ઘરમાં જમવાની સુવિધા હોતી નથી પણ બેડ, એસી અને સીસીટીવી કેમેરા સહિતની વિવિધ સુવિધા હોય છે. Airbnb એપ્લિકેશનમાં 25 અને 26 જાન્યુઆરી દરમિયાન બે લોકો માટે રહેવાનો ખર્ચ 40 હજાર સુધી પણ થઈ શકે છે, તેમાં જેવું ઘર એટલું ભાડું ચૂકવવું પડી શકે છે. તેના માટે પણ એડવાન્સ બુકિંગ જરૂરી છે. Airbnb પરના રૂમ અગાઉથી જ બુક થઈ ગયા છે. ખાસ કરીને અન્ય રાજ્યમાંથી આવતા પ્રેક્ષકો ઘરથી ચાલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકાય તેવા સ્થળની પસંદગી વધુ કરી રહ્યા છે.