એક સમયે સમાંથાને ખાવાના પણ ફાંફા હતાં:હવે 100 કરોડની માલિકણ, અલ્લુ અર્જુનના કહેવાથી 'પુષ્પા'માં કર્યું આઈટમ નંબર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

સાઉથ અભિનેત્રી સમાંથા રૂથ પ્રભુ આજે તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કરે છે. સમાંથાનું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પણ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.સમાંથાને ફિલ્મો સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ ઘરની નબળી આર્થિક સ્થિતિએ તેને મોડેલિંગ તરફ આકર્ષિત કરી.

અહીંથી સામંથા માટે ફિલ્મી દુનિયામાં આવવાનો રસ્તો ખુલ્યો અને પછી તેમણે પાછું વળીને જોયું નથી. હિન્દી બેલ્ટમાં તેને વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’થી ઓળખ મળી.

આ પછી, તેણે ‘પુષ્પા’ના ‘ઓ અંટવા’ ગીતથી ખૂબ લોકપ્રિયતા મેળવી. સાઉથની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ પૈકી એક સમાંથા અંદાજે 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકણ છે. હાલમાં, તેની પાસે કરન જોહર દ્વારા નિર્મિત વેબ સિરીઝ ‘ધ સિટાડેલ હની બન્ની’ જેવા મોટા પ્રોજેક્ટ્સ છે.

પરિવારના સભ્યો પાસે ટ્યુશન માટે પૈસા ન હતા
સમાંથાનું સાચું નામ યશોદા હતું, તેનો જન્મ 28 એપ્રિલ, 1987ના રોજ કેરળના અલપ્પુઝામાં થયો હતો. તેમના પિતા જોસેફ પ્રભુ તેલુગુ છે અને માતા નિનેટ પ્રભુ મલયાલી છે. સમાંથાનો ઉછેર ચેન્નાઈમાં થયો હતો. સમાંથા પરિવારમાં સૌથી નાની છે. તેને જોનાથ અને ડેવિડ નામના બે મોટા ભાઈઓ છે.

સમાંથાનું પ્રારંભિક શિક્ષણ હોલી એન્જલ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી થયું હતું. આ પછી તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. સમાંથા મધ્યમ વર્ગના પરિવારમાંથી હતી.

12મા પછી તેમને ભણાવવા માટે પરિવાર પાસે પૈસા નહોતા. આવી સ્થિતિમાં પોતાના ખર્ચને પહોંચી વળવા માટે સમાંથાએ મોડલિંગ શરૂ કર્યું. એક એવો સમય પણ જોયો જ્યારે તેમની પાસે ખાવાના પણ પૈસા નહોતા, પછી એક દિવસ મોડલિંગ કરતી વખતે તે ફિલ્મ નિર્માતા રવિ વર્મનની નજરે પડી.

મોડલિંગથી ફિલ્મોમાં આવી
રવિ વર્મને સમાંથાને તેલુગુ ફિલ્મ ‘યે માયા ચેસાવે’થી ડેબ્યૂ કરવાની તક આપી. આ ફિલ્મના દિગ્દર્શક ગૌતમ વાસુદેવ મેનન હતા. સમાંથાએ આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું અને ઓગસ્ટ 2009માં તેને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી.

આ ફિલ્મ ભારત અને અમેરિકામાં શૂટ કરવામાં આવી હતી અને 26 ફેબ્રુઆરી 2010ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિટ રહી હતી. જેમાં સમાંથાને એક્ટર નાગા ચૈતન્યની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવી હતી જેની સાથે દર્શકોને તેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી.

સમાંથાને તેની પહેલી જ ફિલ્મ માટે ફિલ્મફેરબેસ્ટ અભિનેત્રી તેલુગુ માટે નોમિનેશન મળ્યું હતું. તેણે સાઉથમાં બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. ‘યે માયા ચેસાવે’ પછી સમાંથાની ફિલ્મોમાં કરિયર શરૂ થઈ. તેને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.

એક ઇન્ટરવ્યૂમાં રવિ વર્મને સમાંથાને ફિલ્મમાં કાસ્ટ કરવા વિશે કહ્યું હતું કે જ્યારે તેમણે ત્રણ મિનિટની કોમર્શિયલમાં સમાંથાને પહેલીવાર જોઈ ત્યારે તેમને ખબર હતી કે તેમની આગામી ફિલ્મની એક્ટ્રેસ સમાંથા હશે. એટલું જ નહીં રવિએ સમાંથાની સરખામણી સાઉથની જાણીતી એક્ટ્રેસ રેવતી સાથે કરી હતી.

બીમારીના કારણે બે મોટી ફિલ્મો છોડવી પડી
2010 પછી સમાંથા ઘણી ફિલ્મોમાં જોવા મળી, પરંતુ 2012માં એક સમય એવો આવ્યો જ્યારે એક્ટ્રેસે બે મોટી ફિલ્મોમાંથી હટી જવું પડ્યું. આ ફિલ્મો મણિરત્નમની ફિલ્મ ‘કડલ’ અને શંકરની ફિલ્મ ‘આઈ’ હતી. વાસ્તવમાં, વર્ષ 2012માં સમાંથાને ઇમ્યુનિટી ડિસઓર્ડર હતી, જેના કારણે તેણે ઘણી મોટી ફિલ્મો રિજેક્ટ કરી હતી.

જ્યારે તેની તબિયતમાં સુધારો ન થયો ત્યારે સમાંથાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો. આ પછી તે એસએસ રાજામૌલીની તેલુગુ-તમિલ ફિલ્મ ‘ઈગા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સમાંથાનું કામ પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી પણ સમાંથાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું અને તે સાઉથની સૌથી હિટ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ થઇ ગઈ હતી.

‘પુષ્પા’માં શ્રીવલ્લીના રોલને રિજેક્ટ કર્યો
સમાંથાએ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના આઈટમ સોંગ ‘ઓ અંટવા’ દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ એક ગીત માટે સમાંથાને 1.5 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. અગાઉ આ ફિલ્મમાં શ્રીવલ્લીનો લીડ રોલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ આ રોલને રિજેક્ટ કરી દીધો હતો અને માત્ર એક ગીત શૂટ કરવા માટે સંમતિ આપી હતી. સમાંથા ‘ઓ અંટવા’ જેવા ગ્લેમરસ ગીત પર ડાન્સ કરવામાંગતી ન હતી, પરંતુ અલ્લુ અર્જુને તેને ખૂબ સમજાવ્યા પછી તે રાજી થઈ ગઈ.

નાગા ચૈતન્ય સાથેના લગ્ન ચાર વર્ષ સુધી ચાલ્યા
2010માં આવેલી ફિલ્મ ‘યે માયા ચેસાવે’ના સેટ પર સમાંથા અને નાગા ચૈતન્ય એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગ્ન પહેલાં આ કપલે લગભગ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારબાદ 6 ઓક્ટોબર 2017ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. તેમના લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન બંને રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના 4 વર્ષ પછી 2021માં બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી.

છૂટાછેડાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી
સમાંથા અને નાગા ચૈતન્યએ 2 ઓક્ટોબર 2021ના ​​રોજ સોશિયલ મીડિયા દ્વારા તેમના છૂટાછેડાની માહિતી આપી હતી.

200 કરોડની ભરણપોષણની વાત પર આપ્યું હતું રિએક્શન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છૂટાછેડા બાદ નાગા ચૈતન્યએ સમાંથાને 200 કરોડ રૂપિયાની ભરણપોષણની ઓફર કરી હતી, પરંતુ એક્ટ્રેસે તેને ફગાવી દીધી હતી. જો કે, સમાંથાએ 200 કરોડ રૂપિયાની ભરણપોષણને ખોટી ગણાવી હતી.

2022માં જ્યારે સમાંથા ચેટ શો ‘કોફી વિથ કરન’માં જોવા મળી હતી, ત્યારે કરન જોહરે તેને પૂછ્યું હતું કે તેણીએ પોતાના વિશે વાંચેલા સૌથી હાસ્યાસ્પદ સમાચાર ક્યા છે, તો સામંથાએ કહ્યું હતું કે, ‘મેં 200 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે લીધા છે. હું દરરોજ સવારે ઉઠું છું અને વિચારું છું કે આવકવેરા અધિકારી આવશે અને જોશે કે મારી પાસે કંઈ નથી.

સમાંથાએ નેપોટિઝમ વિશે પણ વાત કરી હતી. કરન જોહરે તેને પૂછ્યું હતું કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કોઈનો ભાઈ, પિતા કે કાકા કે મામા હોય તો શું તેનાથી એક્ટ્રેસને કોઈ સમસ્યા નથી થતી?

સમાંથાએ કહ્યું હતું કે એક્ટ્રેસને આના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલીક વસ્તુઓ દર્શકોના હાથમાં હોય છે જેના માટે કોઈ સંબંધી કંઈ કરી શકતું નથી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com