રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તેમને તિહાડ જેલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય એજન્સીએ સીએમની 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગી હતી જેના પર રાઉજ એવન્યુ કોર્ટે મહોર લગાવી દીધી. કોર્ટમાં પેશી માટે લઈ જવામાં આવતા હતા તે વખતે કેજરીવાલે કહ્યું કે પીએમ જે પણ કરી રહ્યા છે તે ઠીક નથી કરી રહ્યા.
અરવિંદ કેજરીવાલ માટે તિહાડ જેલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમને તિહાડની કયા નંબરની જેલમાં રાખવામાં આવશે તે અંગે મીટિંગ ચાલુ છે. તિહાડમાં હાલ ટોટલ 9 જેલ છે જેમાં 12 હજાર જેટલા કેદીઓ છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું કે કેજરીવાલ તપાસમાં મદદ કરતા નથી. તેઓ ગોળગોળ જવાબ આપે છે અને તપાસ આગળ ન વધે એટલે તેમના આઈફોનના પાસવર્ડ પણ આપતા નથી.
તિહાડ જેલમાં હાઈ લેવલ બેઠક
મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલમાં તિહાડ જેલમાં હાઈલેવલ બેઠક થઈ હતી. કહેવાયું હતું કે આ મામલે આજે પણ એક હાઈ લેવલની બેઠક થઈ છે. ગત બેઠકોમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં રાખવામાં આવે તો તેમને કયા નંબરની જેલમાં રાખવા. આ સાથે જ તેમની સુરક્ષાને લઈને પણ ચર્ચા થઈ.
આપના કયા નેતાઓ જેલમાં?
થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને 2 નંબરની જેલમાંથી 5 નંબરની જેલમાં શિફ્ટ કરાયા. મનિષ સિસોદીયાને જેલ નંબર 1માં રખાયા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન જેલ નંબર 7માં છે. આ જેલમાં ઈડી અને સીબીઆઈ સંબંધિત કેદીઓ રાખવામાં આવે છે.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલને ઈડીએ 21મી માર્ચના રોજ ધરપકડ કરી હતી. જ્યારે 28 માર્ચ સુધી પહેલીવાર ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ ફરીથી કસ્ટડી માંગી અને કોર્ટે તેમને 1 એપ્રિલ સુધી કસ્ટડી લંબાવી હતી. હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.