નવ બાઈકચાલકો પટકાયા, બેને ઈજા:સુરતમાં એક કિમી રોડ પર ઓઈલ ઢોળાતા બાઈકો સ્લીપ થઈ, ફાયર વિભાગને રોડ સાફ કરવો પડ્યો

સુરતના અશ્વિનીકુમાર રોડ પર વહેલી સવારે એક કિલોમીટરના રોડ પર ઓઈલ ઢોળાયું હતું. જેના પગલે સવારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નવ જેટલા બાઈકચાલકો ઓઇલના કારણે સ્લીપ થઈને રોડ પર પટકાયા હતા. બે બાઈકચાલકને ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને 1 કિમીનો રોડ સાફ કર્યો હતો.

એક કિમીના રોડ પર ઓઈલ ઢોળાયું

મળતી માહિતી પ્રમાણે, સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં ગૌશાળાથી લઈને અશ્વિનીકુમાર સ્મશાન ઘરનાળા સુધીના રોડ પર વહેલી સવારે કોઈક રીતે ઓઇલ ઢોળાયું હતું. જેના પગલે આ એક કિલોમીટરનો રસ્તો લપસણો થઈ ગયો હતો. દરમિયાન વહેલી સવારે અહીંથી પસાર થતા બાઈકચાલકો સ્લીપ થઈને પડવાનું શરૂ થયું હતું. સવારે નવ વાગ્યા સુધીમાં નવ જેટલા બાઈકચાલકો સ્લીપ થઈને રોડ પર પટકાયા હતા.

નવ બાઈક સ્લીપ થઈ

ગૌશાળા નજીક ત્રણ જેટલા બાઈકચાલકો સ્લીપ થયા હતા. ત્યારબાદ રામબાગ સોસાયટી પાસે બે બાઈકચાલક સ્લીપ થયા હતા. જ્યારે અંતિમ યાત્રામાં જઈ રહેલા બે બાઈકચાલકો લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે સ્લીપ થઈને રોડ પર પટકાતા ઇજા પહોંચી હતી. જેથી તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર એક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અશ્વીનીકુમાર ગરનાળા પાસે બે યુવકો પણ બાઈક પર સ્લીપ થયા હતા. જોકે અન્ય બાઇકચાલકોને સામાન્ય ઇજા થઇ હતી.

ફાયર વિભાગે સ્થળે પહોંચી રોડ સાફ કર્યો

એક કિલોમીટરના રોડ ઉપર ઓઇલ ઢોળાવવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનની એક ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ આ એક કિલોમીટરના રસ્તા અને પાણીનો મારો ચલાવીને સાફ કરવામાં આવ્યો હતો, જેથી વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કાપોદ્રા ફાયર સ્ટેશનના જવાન ઘનશ્યામભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, કંટ્રોલમાં કોલ આવ્યા હતો કે ઓઇલ ઢોળાવવાના કારણે બાઈકો સ્લીપ થઈ રહ્યા છે. એક કિલોમીટરના અંતરમાં ઓઇલ ઢોળાયેલું હતું, તેને પાણીનો મારો ચલાવીને સાફ કરવામાં આવ્યું છે.

બે ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક કમલેશભાઈ એ જણાવ્યું હતું કે, સવારે 8થી 9 વાગ્યાની વચ્ચે નવ જેટલા બાઈકચાલકો અહીં સ્લીપ થઈને પડી ગયા હતા. ગૌશાળાથી અશ્વિનીકુમાર ગરનાળા સુધીમાં ઓઈલ લીકેજ થયા બાદ ઢોળાયું હતું, જેના કારણે બાઈકો સ્લીપ થઈ રહી હતી. જેમાંથી બે બાઈક ચાલકોને ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આ રોડને સાફ કરવામાં આવ્યો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com