ક્ષત્રિય આગેવાનોની અટકાયત:વડોદરા સાવલીમાં ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન સમયે વિરોધ કરે તે પહેલા જ પોલીસે ઉપાડી લીધા

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ 
  • સાવલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટ સમયે વિરોધ કરવા માટે પહોંચી ગયેલા ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી
  • આગેવાનોની અટકાયત થતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સાવલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટ સમયે વિરોધ કરવા માટે પહોંચી ગયેલા ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી. આગેવાનોની અટકાયત થતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

વિરોધ પહેલા જ ક્ષત્રિયોની અટકાયત
રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સામે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટે મેદાને ઉતર્યો છે. આજે વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાવલી વિધાનસભા બેઠક ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સમયે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરે તેવી જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરે તે પૂર્વે 5 આગેવાનોની અટકાયત કરી લીધી હતી.

પોલીસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને ડામી દીધો
ક્ષત્રિય સમાજના 5 આગેવાનોની અટકાયત કરી લેવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નોંધનીય છે કે, સાવલી વિધાનસભા મત વિસ્તારમાં 1 લાખ ઉપરાંત ક્ષત્રિય મતદારો છે. ઉલ્લેખનીય એ પણ છે કે, અગાઉ પણ સાવલી તાલુકાના વિવિધ ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન સમયે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને ડામી દીધો હતો.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યાલયનો શુભારંભ
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી સામે ક્ષત્રિયો મેદાને પડી ગયા છે. આજે ઉમેદવારના હસ્તે સાવલી સ્ટેશન રોડ ઉપર આવેલ ચામુંડા કોમ્પલેક્સમાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન રાખવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ભલે સફળ ન થયો, પરંતુ ભાજપના ઉમેદવાર અને ભાજપ અગ્રણીઓમાં ફફડાટ ચોક્કસ જોવા મળ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું હતું.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com