માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
2023-24 દરમિયાન રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ અમદાવાદ જિલ્લામાં આવેલા વિવિધ સ્થળની 4.27 કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. અમદાવાદમાં વિવિધ પર્યટન સ્થળની 2.26 કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. સૌથી વધુ 79.67 લાખ લોકોએ કાંકરિયાની જ્યારે 44.76 લાખ લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. ગુજરાત ટૂરિઝમ વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લામાંથી આવતાં પર્યટકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
કાંકરિયા કાર્નિવલને કારણે અહીં આવતાં મુલાકાતી સૌથી વધુ હોય છે. જ્યારે ફ્લાવર શૉ જેવા આયોજનને લીધે રિવરફ્રન્ટ પર પણ મુલાકાતીઓની સંખ્યા વધુ હોય છે. રિવરફ્રન્ટ પર આવતા લોકોમાંથી મોટાભાગના અટલ બ્રિજની મુલાકાત પણ લેતા હોય છે. આ ઉપરાંત ગાંધી આશ્રમ, સાયન્સ સિટી, અડાલજની વાવ, સરદાર સ્મારક, મેટ્રો, હેરિટેજ વોકના રૂટ તેમજ જૂના અમદાવાદમાં આવેલી પોળના હેરિટેજ મકાનો જોવા પણ સંખ્યાબંધ લોકો આવે છે. વર્ષ દરમિયાન હેરિટેજ વોકમાં 32 હજારથી વધુ લોકો જોડાયાં હતાં.
અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યામાં વધારો થયાનું ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું.
25 લાખથી વધુ લોકોએ મેટ્રોની સફર માણી
પર્યટન સ્થળ | એપ્રિલ-23 | એપ્રિલ-24 | મે-23 | મે-24 |
અટલ બ્રિજ | 209218 | 184924 | 264956 | 241581 |
રિવરફ્રન્ટ | 14965 | 38538 | 14718 | 16548 |
કાંકરિયા તળાવ | 517438 | 534639 | 664400 | 575987 |
સાયન્સ સિટી | 79984 | 87010 | 127568 | 108408 |
મેટ્રો ટ્રેન | 1563501 | 2306591 | 2005374 | 2547534 |