અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સની આસાન જીત, સનરાઇઝર્સને 7 વિકેટે હરાવ્યું

અરવલ્લી સમાચાર બ્યુરો

 ગુજરાત ટાઈટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપી સીઝનમાં બીજી જીત મેળવી છે. આઈપીએલ-2024માં આ ગુજરાતની ત્રીજી મેચ હતી અને બીજી જીત મેળવી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

સાહા અને ગિલે અપાવી સારી શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને રિદ્ધિમાન સાહા અને ગિલે સારી શરૂઆત અપાવી હતી. સાહા 13 બોલમાં 1 ફોર અને બે સિક્સ સાથે 25 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ 28 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. સાઈ સુદર્શને ફરી શાનદાર બેટિંગ કરી હતી. સુદર્શન 36 બોલમાં 4 ચોગ્ગા અને એક સિક્સ સાથે 45 રન બનાવી આઉટ થયો હતો. ડેવિડ મિલર 27 બોલમાં 4 ફોર અને બે સિક્સ સાથે 44 રન બનાવી અણનમ રહ્યો હતો.

હૈદરાબાદની ઈનિંગનો રોમાંચ
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદમાં દરેક બેટરને સારી શરૂઆત મળી હતી, પરંતુ કોઈપણ બેટસ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ 29 રન અભિષેક શર્મા અને અબ્દુલ સમદે ફટકાર્યા હતા. અભિષેક શર્મા 20 બોલમાં 2 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 29 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે અબ્દુલ સમદે 14 બોલમાં 29 રન ફટકાર્યા હતા.

ઓપનર મયંક અગ્રવાલ 16 રન બનાવી આઉટ થયો હતો. તો ટ્રેવિસ હેડે 19 રન બનાવ્યા હતા. એડન માર્કરમ માત્ર 17 રન બનાવી આઉટ થયો હતો. હેનરિક ક્લાસેન 13 બોલમાં 24 રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદે 22 રનનું યોગદાન આપ્યું હતું.

ગુજરાત ટાઈટન્સ તરફથી મોહિત શર્મા સૌથી સફળ બોલર રહ્યો હતો. મોહિતે 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી હતી. આ સિવાય અઝમતુલ્લાહ, ઉમેશ યાદવ, રાશિદ ખાન અને નૂર અહમદને એક-એક વિકેટ મળી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com