‘ચૂંટણીમાં રાજકીય લાભ લેવા પાકિસ્તાનનું નામ ન લો’:PAKએ કહ્યું- ભારતીય નેતાઓ અમારો ઉપયોગ ના કરે, કાશ્મીર પરના ભારતના દાવા પણ ફગાવ્યા

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

પાકિસ્તાને ભારતીય નેતાઓને ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે પાકિસ્તાનનું નામ ન લેવાની માગ કરી છે. 26 એપ્રિલના રોજ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે ભારતીય નેતાઓએ વોટ માટે તેમના ભાષણો અને નિવેદનોમાં પાકિસ્તાનને મુદ્દો બનાવવાનું બંધ કરવું જોઈએ.

પાકિસ્તાની પ્રવક્તાએ જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતાઓ દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને પણ ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે ભારતીય નેતાઓએ જમ્મુ-કાશ્મીર પર ખોટા દાવા કરવાનું બંધ કરવું જોઈએ. પાકિસ્તાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાની ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર શરૂ કરવા માટે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાની માગ કરી હતી.

પાકિસ્તાન વિરોધી નિવેદનો વધ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝહરા બલોચે કહ્યું, “અમે કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતાઓ દ્વારા આપવામાં આવતા ભડકાઉ ભાષણોમાં વધારો જોઈ રહ્યા છીએ. આ અત્યંત ચિંતાજનક છે. પાકિસ્તાન ભારતીય નેતાઓના આ દાવાઓને નકારી કાઢે છે.”

ઝહરા બલોચે વધુમાં કહ્યું કે, ભારતીય નેતાઓના આ નિવેદનો રાષ્ટ્રવાદથી પ્રેરિત છે, જેના કારણે પ્રદેશની શાંતિ જોખમમાં આવી શકે છે. ભારતીય દાવાઓ ઐતિહાસિક અને કાયદાકીય તથ્યોની વિરુદ્ધ છે. ઐતિહાસિક અને કાયદાકીય તથ્યો ઉપરાંત જમીની વાસ્તવિકતા પણ જમ્મુ-કાશ્મીર પર ભારતના દાવાઓને નકારી કાઢે છે.

તે જ સમયે, પાકિસ્તાનની જેમ ભારત પણ કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનના નિવેદનોને નકારી રહ્યું છે. ભારતનું વિદેશ મંત્રાલય ઘણી વખત કહેતું આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. અન્ય કોઈ દેશને આ અંગે ટિપ્પણી કરવાનો અધિકાર નથી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રેલી દરમિયાન ઉલ્લેખ કર્યો હતો

ભારતીય નેતાઓએ તેમના ચૂંટણી ભાષણોમાં પાકિસ્તાનનો અનેક પ્રસંગોએ ઉલ્લેખ કર્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે 11 એપ્રિલે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક રેલી દરમિયાન પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે રીતે જમ્મુ-કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે, મને લાગે છે કે POKના લોકો માને છે કે તેમનો વિકાસ પીએમ મોદીના હાથે જ શક્ય બનશે. POK અમારો (ભારત) ભાગ હતો, છે અને રહેશે.

રક્ષા મંત્રી ઉપરાંત ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, POKના મુદ્દે સમગ્ર ભારતનું એક જ વલણ છે. અમે ક્યારેય સ્વીકારીશું નહીં કે POK ભારતનો ભાગ નથી. ભારતના તમામ પક્ષોનું એક જ વલણ છે કે POK​​​​​​​ ભારતનો એક ભાગ છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com