માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)
- ગૂગલ હવે યૂઝર્સને કોઈપણ વેબસાઈટને એપમાં કન્વર્ટ કરવાની સુવિધા આપી રહ્યું છે
- આ સુવિધા હાલમાં માત્ર ક્રોમ કેનરી પર જ ઉપલબ્ધ છે, જે ક્રોમ બ્રાઉઝરનું ટેસ્ટિંગ વર્ઝન છે
- ગૂગલ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે.
ગૂગલ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. તેનો ઉપયોગ કરી તમે ગમે તે વિષય પર માહિતી મેળવી શકો છો. લોકોએ Google પર જઈ સર્ચ બારમાં માત્ર કોઈ વિષય ટાઈપ કરવાનું રહે છે. ત્યાર બાદ ગૂગલ પોતાનું કામ શરુ કરી દેશે, અને તરત જ યુઝરને વિષય સંબંધિત તમામ માહિતી સેકન્ડોમાં આપી દેશે. ગૂગલ તેના યુઝર્સ માટે સમયાંતરે આવા ફીચર્સ લાવતું રહે છે, જે દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાથે Google પોતાના યૂઝર્સ માટે વિવિધ એપ્લિકેશન પણ આપતું રહે છે, જેથી કરીને યૂઝર્સના કામ સરળ બની શકે છે. પરંતુ હવે ગૂગલની મદદથી યુઝર્સ કોઈપણ વેબસાઈટને એપમાં કન્વર્ટ કરી શકશે.
ગૂગલ વેબસાઈટને એપમાં કન્વર્ટ કરવાની સુવિધા આપી રહ્યું છે
મોબાઈલ એપ્લીકેશન ફોનમાં ઈન્સ્ટોલ કરવાથી લોકોને તેનો ઉપયોગ કરવો સરળ બને છે. તમારે માત્ર એપ્લિકેશનના આઇકોન પર ક્લિક કરવાનું તે ઓપન થઈ જાય છે અને તમે એપ્લિકેશનને ઍક્સેસ કરી શકો છો. આજે મોટાભાગના લોકો તેમના કામ માટે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. ગૂગલ હવે યૂઝર્સને કોઈપણ વેબસાઈટને એપમાં કન્વર્ટ કરવાની સુવિધા આપી રહ્યું છે. તેથી કોઈપણ વેબસાઈટનો ઉપયોગ એપ તરીકે કરી શકાશે.
ગૂગલે આ મર્યાદા હટાવી
અગાઉ આ સુવિધા માત્ર એ વેબસાઇટ્સ માટે ઉપલબ્ધ હતી જે ચોક્કસ PWA સુવિધાઓને સપોર્ટ કરતી હતી. પરંતુ હવે ગૂગલે આ મર્યાદા હટાવી દીધી છે. હવે ક્રોમ કેનરી અપડેટ (Chrome Canary 124)માં એક નવું ફીચર આવ્યું છે, જેનો ઉપયોગ કરી યુઝર્સ કોઈપણ વેબસાઈટ અથવા વેબપેજને એપ બનાવી શકે છે. જો તમે પણ વેબસાઇટને એપમાં કન્વર્ટ કરવા માંગતા હોવ તો કોઈ ચિંતા ન કરશો, આ સરળ પ્રક્રિયા જાણી લો.
વેબસાઇટને એપમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા
વેબસાઇટને એપમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા તમારા કોમ્પ્યુટરમાં Chrome Canary 124 ડાઉનલોડ કરો. તેના માટે ક્રોમની વેબસાઇટ પર જઈ ત્યાં Canary નું વિકલ્પ સિલેક્ટ કરો. અહીંથી તમે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી તેને ઇન્સ્ટોલ કરો લો.
1. જ્યારે અપડેટની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી બ્રાઉઝર ઓપન કરો.
2. તે પછી તમારી પસંદગીની કોઈપણ વેબસાઈટ ઓપન કરો.
3. અહીં જમણી બાજુ ઉપરના ભાગે ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
4. અહીં તમને Save and Shareનું ઓપ્શન જોવા મળશે તેને પસંદ કરો.
5. આ પછી Save page as App ઓપ્શન પર જાઓ.
6. આટલું કર્યા પછી તે વેબસાઇટ અથવા વેબપેજ તમારા ડિવાઈસમાં એપ્લિકેશન તરીકે ઇન્સ્ટોલ થઈ જશે.
આટલું ધ્યાનમાં રાખવું જરુરી
આ સુવિધા હાલમાં માત્ર ક્રોમ કેનરી પર જ ઉપલબ્ધ છે, જે ક્રોમ બ્રાઉઝરનું ટેસ્ટિંગ વર્ઝન છે. આ ટેસ્ટિંગ વર્ઝન હોવાથી કેટલીક વસ્તુઓ બરોબર કામ ન કરી શકે અને વેબસાઈટમાં પણ મુશ્કેલી આવી શકે છે. તેથી તેને પ્રાયમરી બ્રાઉઝર ન બનાવો અને માત્ર નવા ફીચર્સ ટ્રાય કરવા માટે તેનો ઉપયોગ કરો.