અરવલ્લી સમાચાર બ્યુરો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નેત્રામલી પાસે આજે વહેલી સવારે ઇડર તરફથી હિંમતનગર તરફ આવતી અલ્ટો કારના અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. કારચાલક સમય સુચકતાથી બહાર નીકળી ગયા હતા. ચાલકને ઈજા થવાથી 108માં સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. બીજીતરફ ઇડર ફાયરને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર તાલુકાના વીરપુર ગામના દીપકકુમાર મોહનભાઈ પ્રજાપતિ પોતાની અલ્ટો કાર GJ-09-BD-1381માં તેમની શિક્ષિકા પત્નીને શનિવારે વહેલી સવારે ઇડર મુકવા માટે ગયા હતા. જ્યાંથી પરત આવતા સમયે અંદાજે 6 કલાકની આસપાસ નેત્રામલી પેટ્રોલ પંપ પાસે અચાનક કારને પાછળથી ટક્કર વાગ્યા બાદ કાર આગળ જતા લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી અને અચાનક કારમાં આગ લાગી હતી. જેને લઈને દીપકભાઈ બહાર નીકળી ગયા હતા. જેમને શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી. ત્યાર બાદ 108ને જાણ કરતા 108 સ્થળ પર આવી પહોંચી હતી. દીપકભાઈ પ્રજાપતિને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ઇડર ખસેડાયા હતા. જ્યાંથી સારવાર બાદ સંબધી સાથે દીપકભાઈ વીરપુર ઘરે આવ્યા હતા.
આ અંગે ઈજાગ્રસ્ત દીપકભાઈએ જણાવ્યું હતું કે, ઇડર મારી પત્નીને સ્કૂલમાં મુકીને પરત આવતા સમયે અચાનક અકસ્માત સર્જાયો હતો. કારમાં આગ લગતા હું બહાર નીકળ્યો હતો અને 108માં મને સારવાર અર્થે ઇડર સિવિલમાં લઇ ગયા હતા. જ્યાંથી સારવાર બાદ હું ઘરે આવી ગયો છે.
આ અંગે ઇડર ફાયર વિભાગના કમલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગ લાગવાનો કોલ 108માંથી મળતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નેત્રામલી પેટ્રોલ પંપ સામે કાર સળગતી હતી, જેની પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. અકસ્માત બાદ આગ લાગવાને લઈને અલ્ટો CNG અને પેટ્રોલ કાર બળીને ભસ્મીભૂત થઇ હતી, જોકે ચાલકનો બાચાવ થયો હતો.