રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ. મેચનું જે પરિણામ આવ્યું તે મુંબઈ માટે ખુબ નિરાશાનજક હતું. કારણ કે સતત ત્રીજીવાર હાર ઝેલવી પડી છે. હવે આ હાર બાદ એક વિવાદનો મધપૂડો છેડાયો છે કે શું હાર્દિક પંડ્યા પાસેથી અધવચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવાઈ જશે? મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યાને ઓલ કેશ ડીલમાં ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો અને પછી સીધો મુંબઈનો કેપ્ટન બનાવી દીધો. પાંચ વખત પોતાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સને ટ્રોફી અપાવનારા રોહિત શર્મા આ સીઝનમાં બેટર તરીકે રમી રહ્યા છે. ફેન્સને આ વાત શરૂઆતથી જ પસંદ પડી નથી અને મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચથી જ હાર્દિક પંડ્યાની ખુબ હૂટિંગ થઈ રહી છે. હોમ ગ્રાઉન્ડ પર કોઈ પણ ટીમના કેપ્ટનની આ પ્રકારે હૂટિંગ આ અગાઉ જોવા મળી નથી.
દિગ્ગજ પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ બાદ ક્રિકબઝ પર મનોજ તિવારી અને વિરેન્દ્ર સહેવાગે મળીને આ મેચના પરિણામ પર ચર્ચા કરી. આ દરમિયાન મનોજ તિવારીએ કહ્યું કે, “હું ખુબ મોટી વાત કહેવા જઈ રહ્યો છું. મુંબઈ ઈન્ડિયન્સને છ દિવસનો બ્રેક મળ્યો છે. આગામી મેચ પહેલા અને એવું પણ બની શકે કે આ છ દિવસમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જતી રહે. હાર્દિક પંડ્યાથી કેપ્ટન્સીમાં ભૂલ થઈ છે અને એવું જોવા પણ મળ્યું છે. પછી ભલે તે બોલરોમાં ફેરફાર હોય કે પછી બેટિંગ ઓર્ડરમાં ઉપર નીચે હોય.”
મનોજ તિવારીએ કહ્યું કે, “હાર્દિક પંડ્યાએ હોમ ગ્રાઉન્ડ પર જ્યાં સ્વિંગ મળતું હતું ત્યાં બોલિંગ કરી નહીં, જે દેખાડે છે કે તેઓ કેટલા દબાણમાં હતા. આ ઉપરાંત બેટિંગ ઓર્ડરમાં પણ કશું નક્કી નથી, ક્યારેક તિલક વર્મા ઉપર આવે છે, તો ક્યારેક ડેવાલ્ડ બ્રેવિસ.” જો કે મનોજ તિવારીની વાત સાથે વિરેન્દ્ર સહેવાગ સહમત જોવા મળ્યા નહીં. સહેવાગે કહ્યું કે તેમણે આ વાત કહેવામાં ઉતાવળ કરી છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ મેચ જીતીને પણ ખિતાબ જીતેલો છે અને હાર્દિકને હજુ કેટલીક મેચ મળવી જોઈએ.