રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
અભ્યાસ માટે વિદેશ જવું એ અનેક વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. આજકાલ તો ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે આકાશ પાતાળ એક કરતા હોય છે. જો કે વિદેશમાં ભણવા જવા માટે વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા હોય છે. કેનેડામાં લાખો યુવાઓ દર વર્ષે ડિપ્લોમા, બેચલર્સ, કે પછી માસ્ટર ડિગ્રી કરવા માટે આવે છે. આવામાં આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે કેનેડામાં અભ્યાસ માટે શું કરવું જોઈએ અને ત્યાં ટ્યૂશન ફી શું હોય છે તથા શું 10મું પાસ પણ ત્યાં અભ્યાસ માટે જઈ શકે? તો તમને જણાવી દઈએ કે કેનેડામાં અભ્યાસ કરવો એ બહુ મોંઘો નથી. આ કારણ છે કે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ કર્યા બાદ કેનેડા જવા માંગતા હોય છે. આ સાથે જ એક મોટું કારણ એ પણ છે કે કેનેડામાં ભારતીય લોકોની સારી એવી વસ્તી છે જેનાથી ત્યાં આવતા વિદ્યાર્થીઓને સરળતા રહે છે. વિદ્યાર્થીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કેનેડામાં શિક્ષણ માટે અરજી કરવાની એક લાંબી પ્રક્રિયા છે આથી તમારે અરજીની પ્રક્રિયા જલદી શરૂ કરવી જોઈએ.
10000 કેનેડિયન ડોલર બેલેન્સ જરૂરી
કેનેડામાં અભ્યાસ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. અહીં મોટાભાગની યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ઓનલાઈન જ અરજી કરવાની રહે છે. આવામાં વિદ્યાર્થીઓએ કેનેડાની ટોપ યુનિવર્સિટીઓ વિશે પહેલેથી જાણકારી ભેગી કરવી જોઈએ. આ ઉપરાંત કેનેડામાં ભણવા માટે તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા 10000 કેનેડિયન ડોલરનું બેલેન્સ હોવું જરૂરી છે. જો કે વર્ષ 2024થી તે પૈસા બમણા થઈ જશે.
શું 10મું પાસ પણ કેનેડા જઈ શકે?
દરેક ભારતીયે એ જાણવું જરૂરી છે કે તેઓ 10મું ધોરણ પાસ કર્યા બાદ વિદેશ જઈ શકે છે. જો કે અહીં એડમિશન માટે તમારે ધોરણ 10માં સારો સ્કોર કરવો પડશે અને ત્યાંની શિક્ષણ સંસ્થા દવારા માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ આપવા જરૂરી રહેશે. આ સાથે જ વિદ્યાર્થી પાસે પાસપોર્ટ અને વિઝા હોવા જરૂરી છે. ફક્ત એડમિશન લેટર જ વિદેશ જવા માટે પૂરતો નથી.
આ ટેસ્ટ પાસ કર્યા બાદ જઈ શકાય કેનેડા
– કેનેડિયન અંગ્રેજી ભાષાની પ્રવિણતા સૂચકકાંક કાર્યક્રમ (CELPIP GENERAL)
– કેનેડિયન એકેડેમિક ઈંગ્લિશ લેંગ્વેજ (CAEL)
– એક વિદેશી ભાષા તરીકે અંગ્રેજીની ટેસ્ટ (TOEFL iBT)
– પિયર્સન ટેસ્ટ ઓફ ઈંગ્લિશ એકેડેમિક (PTE Academic)
દર વર્ષે 3 લાખ અરજી
– વર્ષ 2023માં 2,61,310 (ઓક્ટોબર સુધીમાં)
– વર્ષ 2022માં 3,63,541 અરજીઓ
– વર્ષ 2021માં 2,36,077 અરજીઓ