તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )
ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. દેશભરના નેતાઓ માટે અંતિમ દિશાનિર્દેશ નક્કી કરવા માટે ફેબ્રુઆરીના મધ્યમાં પોતાની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવામાં આવી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અનેક સાંસદોની ટિકિટ કાપવાનો નિર્ણય લીધો છે. તેમની નજર લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડવા પર છે. સૂત્રોએ એવું પણ કહ્યું છે કે જરૂરી ન હોય તો ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવા ઉપર પણ વિચાર કરી રહી છે. પાર્ટી દ્વારા આ મહિનાના અંત સુધીમાં 150-160 સીટો માટે ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતા છે.
ઈન્ડિયન એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીને મંજૂરી આપવા માટે આ મહિનાના અંત સુધીમાં બેઠક કરી શકે છે. એક સૂત્રએ કહ્યું કે પ્રધાનમંત્રી પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે પાર્ટીનું ધ્યાન યુવા નેતાઓ અને મહિલાઓ પર રહેશે. તે માટે પાર્ટી એવા સાંસદોને હટાવી શકે છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ હોય.
ભાજપના કુલ 56 લોકસભા સાંસદો કા તો 70 વર્ષ 70 વર્ષથી વધુ ઉંમરના છે. તેમાં રાજનાથ સિંહ, વી કે સિંહ, રાવ ઈન્દ્રજીત સિંહ, શ્રીપાદ નાઈક, અર્જૂનરામ મેઘવાલ, ગિરિરાજ સિંહ, વરિષ્ઠ નેતા રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસ એસ આહલુવાલિયા, પી પી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહન સિંહ, જગદંબિકા પાલ જેવા નેતાઓના નામ સામેલ છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રના હવાલે એમ પણ કહેવામાં આવ્યું છે કે 70 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્ણયનો હેતુ એ નથી કે તમામ વરિષ્ઠ નેતાઓને બહાર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે ઉમેદવારની પસંદગી માટે ઉંમર એકમાત્ર માપદંડ નહીં હોય. વિશિષ્ટ યોગદાન આપનારા નેતાઓને ટિકિટ આપવામાં આવશે. પાર્ટીને લોકસભામાં અનુભવી નેતાઓની પણ જરૂર છે. પાર્ટીએ 2019માં પોતાની 3030 સીટો કરતા વધુ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આવામાં ભાજપ વધુમાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 437 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.