ક્ષત્રિયોના ડરથી ભાજપે સ્ટ્રેટેજી બદલી! નેતાઓ ગામડાઓમાં ટાળી રહ્યાં છે પ્રચાર, પોલીસ બંદોબસ્ત વચ્ચે સભાઓ

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • ગુજરાતના ગામેગામે ક્ષત્રિય આંદોલન વ્યાપી ગયું છે. 
  • રાજપૂતોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. 
  • રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. 
  • ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે

01

રૂપાલાનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ભાજપે રાજપૂતો સામે ભાજપૂતો ઉભા કરવાનો કરેલો પ્રયાસ કંઈ અંશે સફળ રહ્યો હોવા છતાં પણ ભાજપને હજુ પણ રાજ્યની 5 બેઠકો પર આ ક્ષત્રિયો નડે તેવી આશંકા છે. રાહુલ ગાંધીના બફાટ સામે ભાજપે દેશભરમાં વિરોધ શરૂ કર્યો છે પણ ભાજપના નેતાઓ હજુ પણ ગામડાઓમાં પ્રચારમાં જતા ડરી રહ્યાં છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપને મત ન આપવાના સોગંધ લેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા- રજવાડાઓનું અપમાન કર્યું હોવા છતાં ક્ષત્રિયોએ રૂપાલાના રોટી-બેટીના વ્યવહારોને અસ્મિતાની લડાઈ બનાવી લીધી છે. ગુજરાતમાં ઠેરઠેર સંમેલનો યોજાઈ રહ્યાં છે. ક્ષત્રિય સમાજની મતબેંક ન હોવા છતાં પણ ભાજપને લીડ ઘટવાનો અને કોંગ્રેસની વોટબેંક મજબૂત થવાનો ડર લાગી રહ્યો છે. એક રૂપાલાને કારણે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બની ગઈ છે. ગુજરાતમાં ક્ષત્રિયોએ મહિલા અસ્મિતાની લડાઈ શરૂ કરી છે. જેમાં સૌથી મોટો વિરોધ ભાજપની 2 બેન એટલે કે જામનગરમાં પૂનમ માડમ અને ભાવનગરમાં નિમુબેન બાંભણિયાને સહન કરવો પડી રહ્યો છે. એમની સભાઓમાં વિરોધના વંટોળને કારણે સભાઓ કેન્સલ થઈ રહી છે. અહીં ગામડાઓમાં પ્રચાર ટળાઈ રહ્યો છે.

ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ખાસ કરીને જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને ‘રૂપાલા’ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ પૂનમબેનની રેલીમાં પણ ક્ષત્રિય યુવાનો ધસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે 100થી વધુ યુવાનોની અટકાયત કરી હતી. ગતરોજ સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. આ ત્રીજીવાર એવું બન્યું છે કે પૂનમબેનની સભામાં વિરોધ થયો હોય. આ જ સ્થિતિ ભાવનગરમાં પણ છે. ભાવનગરમાં નિમુબેન બાંભણિયાની સભામાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિયો ગામડાઓમાં રૂપાલા હાય હાયના નારાથી ભાજપની સભાઓ બગાડી રહ્યાં છે. પોલીસ તંત્ર માટે પણ ક્ષત્રિયોનો વિરોધ માથાનો દુખાવો બની ગયો છે.

હવે ભાજપની સભાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યાં છે. આમ છતાં ક્ષત્રિયો અટકાયત વ્હોરીને પણ ભાજપની સભાઓનો વિરોધ કરી રહ્યાં છે. ખુદ રૂપાલા પણ રાજકોટની આસપાસ સભાઓ રેલીઓ કરી રહ્યાં છે. રૂપાલાને પણ ગામડાઓમાં વિરોધ થવાનો ડર લાગી રહ્યો છે. રૂપાલાને પગલે ગુજરાતમાં 5 લોકસભા બેઠકો ભાજપ માટે ટેન્શનનો વિષય બની ગઈ છે.

રાજનાથની સભામાં વિરોધ
લોકસભા બેઠક ઉપર સિહોર ખાતે કેન્દ્ર સરકારના રક્ષામંત્રીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનાથજી સભા સ્થળે હાજર થયા બાદ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ તંત્ર દ્વારા બે બસ ભરીને ક્ષત્રિય સમાજના લોકોને અટકાયત કરવામાં આવી હતી.

લખતરમાં કાર્યાલય ખૂલતાં જ વિરોધ
સુરેન્દ્રનગરના લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલતા વેંત જ ક્ષત્રિયો રોષભેર ત્યાં ધસી ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. રાજ્યમાં અનેક સ્થળે ઉગ્રતા વ્યાપ્યાના અને પોલીસ સાથે ઘર્ષણ,ઝપાઝપી,અટકાયતોનો દોર ચાલ્યાનું જાણવા મળે છે.

નવાગામમાં નિમુબેનનો વિરોધ
પુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિયનો વિરોધ યથાવત રહેતા ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આજે પાલીતાણા વિસ્તારમાં પ્રચાર કાર્યમાં હતા જે દરમિયાન નવાગામ બડેલી પાસે ક્ષત્રિય યુવાનોએ નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરતા ઉમેદવાર દ્વારા પણ પ્રચાર કર્યા વગર જ ગામમાંથી પસાર થઈ જવું પડ્યું હતું.

માલપુરમાં ભાજપના કાર્યાલય સામે રોષ
હાલ લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓના વિવાદિત નિવેદનોને લઇ વિરોધ થઈ રહ્યા છે. ત્યારે માલપુર ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે રૂપાલાનો વિરોધ જોવા મળ્યો હતો.

રાજ્યભરમાં વિરોધનો વંટોળ
પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો.

રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. જેને કારણે હવે એવી ચર્ચા ઉઠી છે કે, ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રણનીતિ બદલી છે. પસોત્તમ રૂપાલા રાજકોટમાં છેલ્લાં 5 દિવસથી જુદા-જુદા સમાજનાં સ્નેહમિલનમાં હાજરી આપી રહ્યા છે. પરંતું તેઓ ગામડે જવાનું ટાળી રહ્યાનો ગણગણાટ અંદરખાને શરૂ થયો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com