માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
રક્તદાન મહાદાન છે. આ વાક્ય તમે અનેક વાર સાંભળ્યું હશે. એક વ્યક્તિનું રક્ત બીજા વ્યક્તિનો જીવ બચાવવાનું મહાન કાર્ય કરી શકે છે. તેથી બ્લડ ડોનેશનને પ્રોત્સાહન આપવામાં આવે છે. ડોનેટ કરેલા રક્તનો ઉપયોગ વિવિધ મેડિકલ કન્ડિશનમાં જ્યારે દર્દીમાં શરીરમાં રક્તની ઉણપ સર્જાય છે તો તેનો જીવ બચાવવા માટે કરવામાં આવે છે. બ્લડ ડોનેશન એક સામાન્ય પ્રક્રિયા લાગે છે પરંતુ તેના પણ કેટલાક નિયમો હોય છે. કોઈપણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકતી નથી. બ્લડ ડોનર માટે WHO ગાઇડલાઇન્સ પણ બનાવી છે.
વિવિધ બ્લડ બેંકો સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ એકત્ર કરે છે અને બ્લડ બેન્કના માધ્યમથી જરૂરિયાત મંદ લોકો સુધી રક્ત પહોંચતું હોય છે. જોકે આજના સમયમાં પણ બ્લડ ડોનેશનને લઈને જાગૃતતા વધારવાની જરૂર છે અને વધુને વધુ લોકો રક્તદાન કરે તે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ એટલે કે વર્લ્ડ બ્લડ ડોનર ડે ઉજવવામાં આવે છે.
જો કોઈપણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા ઈચ્છે તો તેણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે તમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને બ્લડ ડોનર માટે કઈ ગાઈડલાઇન્સ જાહેર કરી છે તે પણ જણાવીએ.
કોણ આપી શકે બ્લડ ?
– 18 થી 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા માટે ફિઝિકલી એલિજિબલ ગણાય છે.
– બ્લડ ડોનેટ કરવા માટે વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ.
– રક્તદાન કરતી વખતે સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શરદી, તાવ, ગળામાં તકલીફ, પેટમાં કૃમિ કે અન્ય સંક્રમણ હોય તો તે વ્યક્તિ લોહી આપી શકે નહીં.
કઈ સ્થિતિમાં થોડા સમય માટે ન કરી શકાય બ્લડ ડોનેટ ?
– જો કોઈ વ્યક્તિ એ તાજેતરમાં શરીર પર ટેટુ કરાવ્યું છે કે પિયરસિંગ કરાવ્યું હોય તો તેને કરાવવાની તારીખથી છ મહિના સુધી બ્લડ ડોનેટ કરવું નહીં.
– ડેન્ટિસ્ટ પાસે કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરાવી હોય તો 24 કલાક સુધી બ્લડ ડોનેટ કરી શકાય નહીં. જો દાંત સંબંધિત કોઈ મોટી ટ્રીટમેન્ટ કરાવી હોય તો એક મહિના સુધી બ્લડ ડોનેટ ન કરવું.
– જે વ્યક્તિનું હિમોગ્લોબિન લેવલ બરાબર ન હોય તે વ્યક્તિ રક્તદાન ન કરી શકે. હિમોગ્લોબીન નોર્મલ થયા પછી રક્તદાન કરી શકાય છે.
કોણે ન કરવું બ્લડ ડોનેટ ?
– જે વ્યક્તિએ એક વર્ષ દરમિયાન એક કરતાં વધુ સાથી સાથે અસુરક્ષિત શારીરિક સંબંધ બનાવ્યા હોય ત્યારે બ્લડ ડોનેટ કરવું નહીં.
– એચઆઇવી પોઝિટિવ વ્યક્તિએ પણ ક્યારેય બ્લડ ડોનેટ કરવું નહિ.
– જે વ્યક્તિ કોઈપણ પ્રકારનું ડ્રગ્સ લેતી હોય તેને બ્લડ ડોનેટ કરવું નહીં.
– પ્રેગનેન્ટ મહિલા, બ્રેસ્ટ ફીડીંગ કરાવતી મહિલા કે જેનો ગર્ભપાત થયો હોય તે મહિલાએ પણ બ્લડ ડોનેટ કરવું નહીં.