માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. હજુ પણ 24 રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અલર્ટ છે. હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. સમગ્ર રાજ્યમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી છે.ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય કરતા 15 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.