માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ તે વખતે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રાઈઝ મની ખેલાડીઓની સાથે સાથે સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે પણ વહેંચવામાં આવશે. જો ક ફેન્સ એવો અંદાજો લગાવી શકતા નહતા કે આખરે આ પ્રાઈઝ મનીની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે? તો હવે તેના વિશે કેટલીક જાણકારી સામે આવી રહી છે.
કોને મળશે કેટલા રૂપિયા?
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ટી20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ 15 ખેલાડીઓ સહિત રાહુલ દ્રવિડને સૌથી વધુ 5-5 કરોડ રૂપિયા મળશે. મેઈન સ્ક્વોડમાં સામેલ પરંતુ સિંગલ મેચ ન રમેલામાં યુજવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ સામેલ છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન, અને શુભમન ગિલ ઉપર પણ પૈસાનો વરસાદ થશે. તેમને 1-1 કરોડ રૂપિયા મળે એવું કહેવાય છે.
બાકી બેકરૂમ સ્ટાફને પણ આ પ્રાઈઝ મનીમાં સામેલ કરાયો છે. ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ, ત્રણ થ્રોડાઉન વિશેષજ્ઞ, બે માલિશ કરનારા અને સ્ટ્રેન્થ તથા કન્ડિશનિંગ કોચને 2-2 કરોડ રૂપિયા મળશે.
42 લોકો ટીમમાં સામેલ હતા
અત્રે જણાવવાનું કે ટી20 વર્લ્ડ કપ રમવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત કુલ 42 લોકો ગયા હતા. જાણવા મળ્યું છે કે ટીમના વીડિયો વિશ્લેષક, ટીમ સાથે મુસાફરી કરનારા બીસીસીઆઈ સ્ટાફ સભ્ય, જેમાં મીડિયા અધિકારી પણ સામેલ છે અને ટીમના લોજિસ્ટિક્સ મેનેજરને પણ આ ઈનામ આપવામાં આવશે.
બીસીસીઆઈના સૂત્રના જણાવ્યાં મુજબ ખેલાડીઓ ને સહયોગી સ્ટાફને બીસીસીઆઈ તરફથી મળનારી ઈનામી રકમ વિશે જણાવવામાં આવ્યું છે અને બધાને બિલ જમા કરવાનું કહેવાયું છે. અત્રે જણાવવાનું કે ત્રણ ફિઝિયોથેરાપીસ્ટ છે જેમાં કમલેશ જૈન, યોગેશ પરેમાર અને તુલસી રામ યુવરાજ સામેલ છે, જ્યારે ત્રણ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટમાં રાઘવેન્દ્ર દવગી, નુવાન ઉદેનેકે અને દાયનંદ ગરાની તથા બે માલિશ કરનારાઓમાં રાજીવકુમાર અને અરુણ કનાડે સામેલ છે. સોહમ દેસાઈ સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનિંગ કોચ છે.