માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ આજે (23 જાન્યુઆરી) ફરી અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં અમદાવાદના GMDC મેદાનમાં આયોજીત હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે જે બાદ અમદાવાદ શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોની વચ્ચે અમિત શાહ બપોરે સુરત જશે અને ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ રાણીપ વિસ્તારમાં એક જાહેરસભાને પણ શાહ સંબોધશે.
વિવિધ મહાનુભાવો હિન્દુ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય મંત્રી કાર્યકારણી સદસ્ય સુરેશ ભૈયાજી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લીંબડી નીંબાર્ક પીઠના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી વગેરે ઉપસ્થિત.
સાંજે 4 વાગ્યે બાઈક રેલી અને 6:30 વાગ્યે ગંગા અવતરણનું પ્રદર્શન યોજાશે
હિન્દુ આધ્યાત્મિક મેળામાં સાંજે 4 વાગ્યે RTO સર્કલથી 1400 યુવાનો દ્વારા બાઇક રેલી નીકળશે, જે બાદ સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે 6.30 કલાકે ગંગા અવતરણનું પ્રદર્શન થશે તે ઉપરાંત આરતી કરવામાં આવશે અને મહાકુંભમાં સ્નાનનું પુણ્ય મળે તે માટે ગંગાજળ છંટકાવ કરવામાં આવશે.
થોડીવારમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચશે
હિન્દુ આધ્યાત્મિક મેળામાં ભાગ લેવા માટે વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ આવ્યા છે.સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે.