માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રળિયામણી ઘડી આવી પહોંચી. અમેરિકાના ન્યૂજર્સી પાસેના રોબિન્સવિલેમાં 12 વર્ષની મહેનત પછી પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્ન સમાન ભવ્ય અક્ષરધામ મંદિરનો જાજરમાન મહોત્સવ સંપન્ન થયો. ભારતમાં રાત્રે 2 વાગ્યે અને અમેરિકાના સમય મુજબ સાંજે 4 વાગ્યે આ મહોત્સવ શરૂ થયો હતો. 8 ઓક્ટોબરે અમેરિકાની સવાર હતી ત્યારે મંદિરમાં શાસ્ત્રોક્તવિધિથી પૂજા થઈ હતી. મહંત સ્વામીના હસ્તે ભગવાન સ્વામીનારાયણ અને અન્ય સંતવર્યની પ્રતિમાઓની પૂજાવિધિ સંપન્ન થઈ હતી. દિવ્ય વાતાવરણ વચ્ચે સંખ્યાબંધ ભક્તોએ આ ક્ષણનો લ્હાવો લીધો હતો.
પૂ. પ્રમુખ સ્વામીના સ્વપ્ન સમાન ભવ્ય અક્ષરધામ મંદિરનો લોકાર્પણ સમારોહ પૂ. મહંત સ્વામીના જન્મદિન નિમિત્તે યોજાયો. આ પ્રસંગે અને આ અદ્ભૂત એવા અભૂતપૂર્વ શ્રમદાનથી તૈયાર થયેલા મંદિર માટે મહંત સ્વામીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવામાં આવી હતી.
અમેરિકી ભૂમિ પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર રજૂ કરાયો
ભારતના વિવિધ મંદિરો, પૌરાણિક ભારતના ઋષિ-મુનિઓ, ચાર વેદ તથા વેદિક પરંપરાઓનો પરિચય પણ અમેરિકી ધરતી પર સ્થાપિત આ વિશાળ અક્ષરધામ મંદિરના જાજરમાન લોકાર્પણ સમારોહમાં આપવામાં આવ્યો. આ સાથે વસુધૈવ કુટુમ્બકમના વિચારને અમેરિકી ધરતી પર વ્યાપકરૂપમાં રજૂ કરવામાં આવ્યો.
અક્ષરધામ મંદિરના લોકાર્પણ સમારોહ સમયે ભારતીય રાજદૂત રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બીએપીએસ દ્વારા નિર્મિત આ વિશાળ અક્ષરધામ મંદિર ખરા અર્થમાં ભારતના વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને રજૂ કરે છે. આ પ્રસંગે શ્રી જયસ્વાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રસંગે પાઠવવામાં આવેલા સંદેશાને રજૂ કરવામાં આવ્યો હતો.