અરવલ્લી સમાચાર બ્યુરો
શનિવારનો દિવસ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલનો દિવસ બનીને આવ્યો છે. વડોદરામાં રંજન ભટ્ટે ઉમેદવારી ખેંચ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ભાજપમાં હવે કોનો વારો પડશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.
ભાજપે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. ત્યારે હવે ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત ટ્વીટના માધ્યમથી કરી છે. ગુજરાતમાં સતત બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડતા ભાજપ માટે સમસ્યા પેદા થઈ શકે છે. ભાજપની 26 બેઠકો જીતવાના ખ્વાબ પર હમણાં જ ગ્રહણ લાગી રહેલુ દેખાઈ રહ્યુ છે. ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ કરી લીધા હતા, ત્યારે હવે તેમણે રંજન ભટ્ટ બાદ તરત ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકીય કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
ભીખાજી સામે વિરોધ હતો
ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો બદલવાની ચર્ચા વહેતી થઈ હતી. તેમાં પણ વડોદરામાં રંજન ભટ્ટ સામે આંતરિક વિરોધ સામે આવ્યો હતો. તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગી સામે આવી. ત્યારથી જ ભાજપમાં કેટલાક બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતું. રંજનબેન ભટ્ટે સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એની ગણતરીની મીનિટોમાં સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. હવે કોનો વારોએ ભાજપમાં ચર્ચાનો વિષય છે. રાજકીય ચર્યાઓ એવી છે કે આ બેઠકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને વલસાડ બેઠકને લઈને પણ ચર્ચાઓ થઈ છે.
આ સાબિત કરી રહ્યું છે કે ભાજપમાં કકળાટ એ ચરમસીમાએ છે. હાલમાં નેતાજીને ભાજપ હટાવે કે રાખે પણ નેતાઓમાં અંદરો અંદર મનમેળ ન હોવાનું આ પ્રકરણ ચાડી ખાઈ રહ્યું છે.