માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ વાતનો ખુલાસો ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા એક સૂત્ર દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર, અક્ષય કુમાર તેની ફિલ્મ ‘સરફિરા’નું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે તે અસ્વસ્થ હતો. તેની પ્રમોશન ટીમના કેટલાક સભ્યો કોવિડ પોઝિટિવ મળી આવ્યા પછી, તેણે કોવિડ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું.
અનંતના લગ્નમાં હાજરી આપી શકશે નહીં
શુક્રવારે સવારે અક્ષય કુમારનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરિણામે, તેણે ફિલ્મ ‘સરફિરા’ના પ્રમોશનના છેલ્લા તબક્કામાં જ નહીં, પરંતુ ઉદ્યોગપતિ અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે અનંતે પોતે અક્ષય કુમારને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું.
અક્ષય કુમારે પોતાને આઇસોલેટ કર્યો
સૂત્રોના જણાવ્યા મુજબ ‘કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ અભિનેતા હવે ‘સરફિરા’નું પ્રમોશન નહીં કરે અને અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી નહીં આપે. તે એક જવાબદાર નાગરિક હોવાથી અક્ષયે તરત જ પોતાને આઇસોલેટ કરી દીધા છે અને હાલ તે ક્વોરન્ટાઇનમાં છે’
અક્ષય ત્રીજી વાર કોરોના સંક્રમિત
આ પહેલા પણ વર્ષ-2021માં એપ્રિલ મહિનામાં અક્ષય કુમારને કોરોના થયો હતો ત્યાર બાદ વર્ષ 2022માં મે મહિનામાં પણ તેને બીજી વાર કોરોના થયો હતો અને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. તે વખતે તે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનો હતો પરંતુ કોરોનાને કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ શક્યો ન હતો. ત્યારે હવે તે આ વખતે ત્રીજી વાર કોરોનાથી સંક્રમિત થયો છે જેના કારણે ઉદ્યોગપતિ અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી શકશે નહીં