માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ છે. સોના અને ચાંદીમાં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી છે. સોનું આજે 200 રૂપિયાથી વધુ ઉછળ્યું છે અને ચાંદી પણ 600 રૂપિયા કરતા વધુ મોંઘી થઈ છે. ભારતીય વાયદા બજારમાં બંને મેટલ્સ તેજીમાં જોવા મળી રહી છે.
વાયદા બજારમાં ભાવ
MCX પર આજે સોનું 204 રૂપિયાની તેજી સાથે 72,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલે તે 72,668 પર બંધ થયું હતું. ચાંદી 629 રૂપિયા ઉછળીને 93,461 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે. કાલે ક્લોઝિંગ રેટમાં 92,832 ના સ્તરે જોવા મળી હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 135 રૂપિયા ઉછળીને 72,751 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જે કાલે ક્લોઝિંગ રેટમાં 72,616 રૂપિયાના ભાવે જોવા મળ્યું હતું. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ આજે 124 રૂપિયા વધીને 66,640 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી બરાબર ચમકી છે. ઓપનિંગ રેટમાં ભાવ 412 રૂપિયા વધીને 92,205 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.
બજાર સૂત્રોના જણાવ્યાં મુજબ ઘરેલું માંગ વધવાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. ગુરુવારે સાંજે અમેરિકામાં બહાર પડનારા મોંઘવારીના આંકડા નબળા હોવાની અપેક્ષાએ ખરીદીમાં તેજી આવી છે. જેના કારણે સપ્ટેમ્બરની બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી દરોમાં કાપ કરવામાં આવી શકે છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.