માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ, સૂરજપુરા અને હિંમતનગર ના કેટલાક વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે હડકાયા શ્વાને અલગ અલગ જગ્યાએ 38 લોકો પર શ્વાને હુમલો કર્યો હતો. જેને લઈને તમામ લોકો સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર આપ્યા બાદ રજા અપાઈ હતી. બીજી તરફ હડકાયા શ્વાનને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમે રાત્રી સુધી શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નથી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના સૂરજપુરામાં રવિવારે મોડી સાંજે એક સફેદ શ્વાન હડકાયું હતું. જે રોડ પર આવતા જતા બાઇક ચાલકો પાછળ પડતું હતું અને લોકો પર હુમલા કરતું હતું. જે શ્વાન હુમલા કરતું કરતું સૂરજપુરાથી ગાંભોઈ અને ત્યાંથી રોડ પર હુમલા કરતું કરતું હિંમતનગરના સહકારી જિન વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. બે કલાક દરમિયાન 38 લોકો પર શ્વાને હુમલા કર્યા હતા અને હાથે, પગે ઇજાઓ કરી હતી. જેને લઈને તમામ 38 લોકો સારવાર અર્થે સમયાંતરે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જરૂરી સારવાર સાથે ઇંજેક્શન આપીને રજા આપવામાં આવી હતી.
આ અંગે હિંમતનગર સિવિલના ડૉ.વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્વાન કરડતા 38 લોકો સારવાર અર્થે આવ્યા હતા. તમામને સારવાર આપી રજા અપાઈ હતી.
આ અંગે હિંમતનગર ફાયર બ્રિગેડના લીડર ફાયરમેન મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સફેદ કલરનું શ્વાન હડકાયું હતું. જે સૂરજપુરાથી રોડ પર હુમલા કરતું કરતું હિંમતનગર સહકારી જિન વિસ્તારમાં રવિવારે રાત્રે આવી પહોંચ્યું હતું. જે અંગે જાણ કરતા અમારી ટિમ દ્વારા રાત્રીના 12 કલાક સુધી શોધખોળ કરી હતી પરંતુ શ્વાન મળ્યું નથી.