માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસ સામે આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીનું કુલર શોભાના ગાંઠિયા સમાન છે. જેને લઈને જિલ્લા પોલીસ વડાને પીવાના પાણીની સુવિધા કરવા માટે લેખિત રજૂઆત કરી હતી.
હિંમતનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં જતા જ શોભાના ગાંઠિયા સમાન છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણી માટેનું કુલર બંધ પડેલું જોવા મળે છે. ત્યારે આ અંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના કુમાર ભાટે લેખિતમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલને રજૂઆત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યા મુજબ હિંમતનગર શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ સામે આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં હિંમતનગર શહેર તાલુકા અને જિલ્લામાંથી પીડિત મહિલા અરજદારો આવતા હોય છે. ત્યારે આ મહિલા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીનું કુલર મુકવામાં આવેલું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કુલર બંધ હાલતમાં પડી રહ્યું છે. જેના કારણે પોલીસ સ્ટેશનમાં આવતા પીડિત મહિલા અરજદારોને પીવાના પાણીની ઘણી તકલીફો પડે છે અને બહારથી રૂ. 10 અને 20ની પીવાની પાણીની બોટલો લાવવી પડતી હોય છે. જેથી અમારી આ રજૂઆત ધ્યાને લઈને મહિલા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી.