મંગળવારે યોગિની એકાદશી:આ દિવસે તામસિક વસ્તુઓ અને ચોખાનું સેવન ન કરો, આ રહી પૂજાવિધિ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

હિંદુ કેલેન્ડર પ્રમાણે 2 જુલાઈ, મંગળવારના રોજ યોગિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાઈ શકાય નહીં. ઉપવાસ કરી શકો નહી તો એક સમયે ફળાહાર કરી શકાય છે. આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઈ શકે છે.

યોગિની એકાદશી વ્રત અને પૂજાવિધિ

  • એકાદશીના દિવસે સવારે જલદી જાગીને સ્નાન કરવું.
  • દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો. ત્યાર બાદ વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો.
  • ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવડાવો.
  • ભગવાનને સ્નાન કરાવ્યાં બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવું અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવું. આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.
  • ભગવાનને ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પૂજા-સામગ્રી ચઢાવો અને કથા સાંભળો.
આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે
આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે

ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં

  • એકાદશી તિથિએ ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં. ધર્મગ્રંથોમાં લસણ-ડુંગળી અને માંસાહારને તામસિક કહેવામાં આવે છે.
  • કોઈપણ પ્રકારનો નશો કરવો નહીં. આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું.
  • આ દિવસે શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઇએ.
  • કોઇની અવગણના કરવી નહીં. બની શકે તો રાતે જાગરણ કરીને ભજન અને કીર્તન કરો.
  • ધર્મગ્રંથો પ્રમાણે એકાદશીએ જુગાર રમવું, સૂવું, પાન ખાવું, અન્યની અવગણના કરવી, ચુગલી, ચોરી, હિંસા, સંભોગ, ગુસ્સો અને ખોટું બોલવાથી બચવું જોઇએ.

યોગિની એકાદશી વ્રતની કથા
સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતા હતા. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતા હતા અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. જેની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઈને આવ્યો, પરંતુ તે પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો.

પૂજામાં મોડું થવાના કારણે કુબેરે માળીને શાપ આપ્યો કે, તુ પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઈને કોઢિયો બનીશ. કુબેરના શાપથી હેમ માળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઢ થઈ ગયો. તેની પત્ની પણ તેની પાસે હતી નહીં. તે ઘણાં લાંબા સમયથી દુઃખી રહ્યો. એક દિવસ તે માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેને જોઈને ઋષિએ કહ્યું, ‘તે એવું કયું પાપ કર્યું છે, જેના કારણે તારી આવી સ્થિતિ થઈ ગઈ’. હેમ માળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી. તેમની પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. હેમ માળીએ વિધિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com