માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોરે પુત્રવધૂ કરીના કપૂરની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘ક્રૂ’ પર રિએક્શન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આ ફિલ્મ વાહિયાત છે પણ સારી છે. યુટ્યુબ શો ‘દિલ સે વિથ કપિલ સિબ્બલ’ ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શર્મિલાએ કહ્યું કે, ‘ક્રૂ’ એક વાહિયાત અને બકવાસ ફિલ્મ હતી પરંતુ તે મનોરંજક હતી.
આટલી સારી ફિલ્મ હશે તે માનવામાં નહોતું આવતુંઃ શર્મિલા
શર્મિલાએ કહ્યું, ‘સાચું કહું તો મને પહેલાં તો વિશ્વાસ નહોતો કે આ ફિલ્મ આટલી સારી હશે. મને આ ફિલ્મની વાર્તા સૌથી વધુ ગમી. ત્રણ મહિલાઓ એકબીજાને મદદ કરી રહી છે. એક પ્લેન ઉડાવી રહી છે અને બીજી લેન્ડ કરવામાં મદદ કરી રહી છે. આ ફિલ્મે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે તેને ખોટું સાબિત કર્યું છે.
શર્મિલાએ વધુમાં જણાવ્યું હતું કે મનોરંજક હોવા ઉપરાંત ‘ક્રૂ’ને વ્યાવસાયિક સફળતા પણ મળી હતી. જેનાથી મહિલા કલાકારો માટે ઘણી બેસ્ટ ફિલ્મોનો માર્ગ ખૂલ્યો. ‘ક્રૂ’ની સફળતા ઘણા વધુ ફિલ્મ નિર્માતાઓને પણ મહિલા કેન્દ્રિત ફિલ્મો બનાવવા માટે પ્રેરિત કરશે.
શર્મિલાએ મહિલા કેન્દ્રિત ફિલ્મો ઉપર વાત કરી
શર્મિલાએ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પીકુ’ અને આ વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ની સફળતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આવી ફિલ્મોની સફળતા દર્શાવે છે કે સિનેમા બદલાઈ રહ્યું છે અને સ્ત્રી કેન્દ્રિત ફિલ્મોને હવે વધુ સમર્થન મળવું જોઈએ.
ફિલ્મ ‘ક્રૂ’ની વાત કરીએ તો તે 29 માર્ચ 2024ના રોજ રિલીઝ થઈ હતી. ભારતીય બોક્સ ઓફિસ પર 90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમાં કરીના કપૂર, તબ્બુ અને ક્રિતિ સેનન લીડ રોલમાં હતા. ફિલ્મના દિગ્દર્શક રાજેશ એ. કૃષ્ણન હતા.