માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સંત કબીરનો જન્મ સંવત 1455ની જેઠ મહિનાની પૂનમના રોજ થયો હતો. એટલે હિંદુ કેલેન્ડરની આ તિથિએ કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે. તેમને કબીર સાબેર અથવા સંત કબીરદાસ પણ કહેવામાં આવે છે. તેમના નામ પરથી કબીરપંથ સંપ્રદાય પ્રચલિત છે. આ સંપ્રદાયના લોકો તેમને એક અલૌકિક અવતારી પુરૂષ માને છે.
સમાજના અવગુણો દૂર કરવામાં જીવન પસાર કર્યુંઃ-
સંત કબીર અંધવિશ્વાસ, ઢોંગ, પાખંડ અને વ્યક્તિ પૂજાના કટ્ટર વિરોધી રહ્યાં. સંત કબીર આડંબરના પણ વિરોધી હતાં. તેમણે લોકોને એકતાના સૂત્રનો પાઠ ભણાવ્યો. તેઓ લેખક અને કવિ હતાં. તેમના દોહા મનુષ્યોના જીવનને નવી પ્રેરણા આપતાં હતાં. તેમણે પોતાના સંપૂર્ણ જીવનકાળમાં માનવને એક સમાન રહેવા અને સદભાવ જાળવી રાખવા માટેની કોશિશ કરી. સમાજના અવગુણોને દૂર કરવામાં તેમણે પોતાનું સંપૂર્ણ જીવન માનવ સેવામાં પસાર કરી દીધું અને પોતાના જીવનના છેલ્લાં ક્ષણ સુધી આ કોશિશમાં રહ્યાં.
કબીરે મગહરમાં છેલ્લાં દિવસો વિતાવ્યાં-
કબીરદાસ અંધવિશ્વાસના વિરોધી હતાં. તે સમયે એવું માનવામાં આવતું હતું કે, કાશીમાં મૃત્યુ પામનાર વ્યક્તિને સ્વર્ગ નસીબ થાય છે અને મગહરમાં મૃત્યુ પામનાર નરકમાં જાય છે. આ અંધવિશ્વાસને દૂર કરવા માટે કબીરજીએ પોતાના છેલ્લાં દિવસો અહીં વિતાવ્યાં હતાં. અહીં તેમણે દેહ ત્યાગ કર્યો. ત્યાર બાદ હિંદુ અને મુસ્લિમોએ મગહરમાં કબીરજીની સમાધી અને કબર બનાવી હતી. કબીરજીને માનતાં લોકો માટે આ જગ્યા એક તીર્થ સ્થળ છે. આજે પણ અહીં વિશાળ સંખ્યામાં લોકો પહોંચે છે.
24માં મઠના પ્રમુખ વિવેકદાસ છેઃ-
આચાર્ય વિવેકદાસ કબીર ચૌરા આશ્રમના 24માં મઠ પ્રમુખ છે. કબીરદાસ બાદ 23 લોકો આ મઠના પ્રમુખ પદ ઉપર વિરાજિત રહ્યાં. મઠ પ્રમુખ તે જ વ્યક્તિ બની શકે છે જે કબીરજીને માને છે. મઠથી દીક્ષા પ્રાપ્ત કરી ચૂક્યાં હોય છે, કબીરના વિચારોને જીવનમાં ઉતારતાં હોય, જેમનું આચરણ ધર્મ અનુકૂળ હોય, તેને જ વર્તમાન મઠ પ્રમુખ સાથી આચાર્યોની સલાહ બાદ ભવિષ્ય માટે મઠ પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે.