માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
હાલ સમાજમાં લોકો શેર માટીની ખોટ પુરી કરવા પથ્થર એટલા દેવ કરે છે. ત્યારે કેટલાક એવા પણ છે કે પોતાનું પાપ છુપાવવા અથવા અન્ય કોઈ કારણોસર બાળકને તરછોડી દેતા હોય છે અથવા નવજાત ભ્રુણને પણ છોડી દેતા હોય છે. આવી જ એક ઘટના અરવલ્લીના વાત્રક હોસ્પિટલમાં સામે આવી છે.
બાયડ તાલુકામાં વાત્રક ગામે સૌથી મોટી હોસ્પિટલ આવી છે. આ હોસ્પિટલમાં સાંજના સુમારે ગ્રાઉન્ડફ્લોર પર આવેલા મહિલા ટોયલેટના ટબમાંથી એક નવજાત ભ્રુણ મળી આવ્યું. હોસ્પિટલના સૌકોઈ આ ભ્રુણ જોઈને આવું કૃત્ય આચરનાર પર ફિટકાર વરસાવ્યો છે. જાણે પોતાનું પાપ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા આ રીતે હોસ્પિટલમાં જ ભ્રુણ મૂકી દીધું હોય એવું લાગી રહ્યું છે.
સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ સત્તાધીશોએ બાયડ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે ટીમ સાથે પહોંચી હતી અને ભ્રુણનું પંચનામું કરીને તેના DNA અને ફોરેન્સિક તપાસ માટે ડોક્ટરોની સલાહ મુજબ રીફર માટે તૈયારી કરીને હોસ્પિટલમાં લગાવેલા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.