માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હવે શત્રુઘ્ન સિંહાએ લગ્નના સમાચાર પર પોતાનું રિએક્શન આપ્યું છે.
તેમણે કહ્યું કે તે લગ્નના સમાચારને કન્ફર્મ પણ નહીં કરે અને ઇગ્નોર પણ નહીં જ કરે, પરંતુ જો લગ્ન થશે તો સૌથી વધુ ખુશી પણ તેમને જ થશે.
શત્રુઘ્ન બોલ્યા- ‘મારે એક જ તો દીકરી છે’
શત્રુઘ્ન સિન્હાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું લગ્નના સમાચારને કન્ફર્મ નહીં કરું અને ઇગ્નોર પણ નહીં જ કરું. આગળ શું થશે તે તો સમય જ કહેશે. સોનાક્ષીને હંમેશા મારા આશીર્વાદ છે. તે મારી આંખનો તારો છે. તે મારી એકમાત્ર દીકરી છે અને મારી ખૂબ જ નજીક છે. મને સોનાક્ષીના પિતા હોવાનો ગર્વ છે કારણ કે તેને એક્ટ્રેસ તરીકે પોતાની જાતને વર્ષોથી ઘણી સુધારી છે. ‘લુટેરે’થી લઈને ‘દહાડ’ અને હવે ‘હીરામંડી’ સુધી તેમણે સાબિત કર્યું છે કે તે એક મહાન એક્ટ્રેસ છે.’
‘સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે’
શત્રુઘ્ને વધુમાં કહ્યું, ‘જો મારી દીકરીના લગ્ન થઈ રહ્યા છે તો મારા આશીર્વાદ તેમની સાથે છે. હું તેના નિર્ણય અને પસંદગીને સમર્થન આપીશ. સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. હું તેમના લગ્નમાં સૌથી વધુ ખુશ થઈશ. હું તેને શુભેચ્છા પાઠવું છું. મારે એક જ દીકરી છે.’
જાણો શું કહ્યું શત્રુઘ્ન સિંહાએ
ઝૂમ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિંહાને તેમની પુત્રી સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘હું દિલ્હીમાં છું. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરી સાથે તેની યોજના વિશે વાત કરી નથી. તેણે પણ મને હજુ સુધી કશું કહ્યું નથી. મીડિયામાં મેં જે વાંચ્યું છે એ જ હું જાણું છું. તે જ્યારે પણ મારી સાથે આ અંગે વાત કરશે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હશે. અમે ઈચ્છીએ છીએ કે, તેને દુનિયાની બધી ખુશીઓ મળે.’
‘આજકાલનાં બાળકો પૂછવું જરૂરી નથી સમજતાં’- શત્રુઘ્ન સિંહા
શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું, ‘અમને અમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તે કોઈ ખોટો નિર્ણય નહીં લે. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ તેના લગ્ન થશે, હું તેના લગ્નના વરઘોડાની સામે નાચીશ. શુત્રઘ્ન સિંહાએ આગળ કહ્યું,- ‘લોકો મને લગ્ન વિશે પ્રશ્નો પૂછે અને કહે છે કે તમે આ વિશે કશું જાણતા નથી અને મીડિયા બધું જ જાણે છે. આના પર હું એટલું જ કહેવા માગીશ કે આજકાલનાં બાળકો તેમનાં માતા-પિતાને પૂછતાં નથી, તેઓ માત્ર આવીને કહે છે. અમે કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.’ સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતા હતા, પરંતુ બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.
રજિસ્ટર્ડ લગ્નની ચર્ચા
‘ઝૂમ’ના રિપોર્ટ અનુસાર, સોનાક્ષી અને ઝહીરના 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન થશે, ત્યાર બાદ વેડિંગ પાર્ટી હશે. સોનાક્ષીના મિત્રએ કહ્યું, ‘મને 23 જૂને લગ્નની ઉજવણીમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. જ્યાં સુધી મને ખબર છે તે બંને 23મી જૂને સવારે રજિસ્ટર્ડ મેરેજ કરશે. આમંત્રણમાં લગ્નની વિધિનો કોઈ ઉલ્લેખ નથી, માત્ર પાર્ટી હશે એવો ઉલ્લેખ છે. આ વચ્ચે એક્ટ્રેસના પિતા અને ભાઈએ લગ્નની વાતનો નનૈયો ભણી દીધો હતો.
સોનાક્ષીએ 2010માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી
સોનાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત 2010માં સલમાનની ફિલ્મ ‘દબંગ’થી કરી હતી. તે પછી તે ‘રાઉડી રાઠોડ’, ‘દબંગ 2’, ‘લૂટેરા’, ‘બુલેટ રાજા’, ‘હોલિડે’, ‘તેવર’, ‘અકીરા’, ‘કલંક’, ‘ખાનદાની શફાખાના’, ‘દબંગ 3’માં જોવા મળી હતી. ‘મિશન તે ‘મંગલ’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, ‘ડબલ એક્સએલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. 1 મેના રોજ રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી’માં ફરીદાનના રોલમાં સોનાક્ષીને ખૂબ પસંદ કરવામાં આવી છે.