નિર્જળા એકાદશી:આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

આગામી તા19એ જેઠ સુદ અગિયારસને સોમવારના રોજ નિર્જળા એકાદશી તરીકે શ્રદ્ધા ભક્તિ પૂર્વક તરીકે મનાવાશે. આ એકાદશી કરવાથી વર્ષભરની તમામ એકાદશી કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આવા શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પ્રસન્નતા માટે વ્રત રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

આ એકાદશીના મહત્ત્વ અંગે એક પ્રચલિત કથા પ્રમાણે જ્યારે પાંચ પાંડવ પૈકી ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે હું એક દિવસ તો શું, એક સમય પણ ભોજન વિના રહી શકું નહીં. તેથી વર્ષમાં આવતી 24 એકાદશીનું પુણ્ય કઈ રીતે મેળવી શકું? ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું તેમણે ભીમને કહ્યું કે, આ દિવસે એકાદશીનું વ્રત રાખ. ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું, જેના કારણે તેને “ભીમસેની એકાદશી” પણ કહેવામાં આવે છે. આ તિથિએ નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે, એટલાં માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી. સવાર-સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા-પાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન ગ્રહણ કરે છે.

પ્રાત:કાળ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું. ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પિત કરવા ત્યારબાદ શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંત્રોના વિધીવત જાપ કરવા. આ વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન રહેતો નથી. ખાસ કરીને આવા શુભ દિવસે તુલસીના પાન તોડવા નહીં, અસત્ય ન બોલવું, ચોખા ન ખાવા, ડુંગળી, લસણનો ત્યાગ કરવો, અકારણ ગુસ્સો કરવો નહીં, મન અને કર્મમાં પવિત્રતા પૂર્વક સાત્વિકતા રાખવી. આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે ગૌસેવા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

સંધ્યા સમયે પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા ફરતી વખતે “શ્રી કૃષ્ણ શરણમ મમઃ” તેમજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” ના મંત્રના અવિરત જાપ કરવા જોઈએ. તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ધીનો દીવો કરવો, ભગવદ ગીતાના પાઠનું પઠન કરવું. શક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરવું.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com