માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
પાકિસ્તાનમાં છોકરીઓની સ્કૂલોને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. સુરાબ જિલ્લામાં ગુરુવારે (29 મે) ના રોજ, કેટલાક હથિયારધારી આતંકીઓએ કન્યા માધ્યમિક સ્કૂલ પર હુમલો કર્યો અને તેને આગચાંપી દીધી હતી. એક સપ્તાહમાં આ ચોથી ઘટના છે.
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, સોમવારે રાત્રે અજાણ્યા લોકોએ વઝીરિસ્તાનમાં ગોલ્ડન એરો ગર્લ્સ મિડલ સ્કૂલમાં આગ લગાવી દીધી હતી. ત્યારબાદ મંગળવારે આતંકવાદીઓએ નોર્થ વઝીરિસ્તાનમાં એક ગર્લ્સ સ્કૂલને આગ ચાંપી દીધી હતી.
આ પછી બુધવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ કિલ્લી ધમ્બ તાલુકાની એક સ્કૂલમાં આગ લગાવી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. જો કે, ત્યાં સુધીમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તે સ્કૂલમાં રાત્રે કોઈ ગાર્ડ તહેનાત નહોતો. પોલીસે હવે આ હુમલાખોરો સામે આતંકવાદી કાયદા હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. જો કે પાકિસ્તાનમાં સ્કૂલોમાં આગ લગાડનારા લોકો હજુ પણ પકડાયા નથી.
પાકિસ્તાનમાં છોકરીઓની સ્કૂલો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે.
છેલ્લા કેટલાક મહિનામાં બલૂચિસ્તાનના કેચ અને પંજગુર જિલ્લામાં છોકરીઓની સ્કૂલો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. વઝીરિસ્તાનમાં એક સ્કૂલમાં આગ લગાડવાના મામલે પોલીસે ત્યાં ભણાવતા શિક્ષકની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ ફરીદુલ્લાહ તરીકે થઈ છે. રાજમાક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ માસ્ક પહેરેલા હથિયારધારી લોકો દિવાલ પર ચઢીને સ્કૂલના પરિસરમાં ઘુસ્યા હતા અને બળજબરીથી ચાવીઓ લઈ લીધી અને સ્કૂલમાં આગ લગાવી દીધી હતી.
આ સ્કૂલ પાકિસ્તાની સેના દ્વારા 2020માં બનાવવામાં આવી હતી અને અહીં 500થી વધુ છોકરીઓ ભણે છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ સ્કૂલ પર હુમલો થયો હતો, જેમાં સ્કૂલમાં લગાવવામાં આવેલી સોલાર લાઇટને નુકસાન થયું હતું.
પાકિસ્તાનના વડાપ્રધાને સ્કૂલનું સમારકામ કર્યા બાદ બીજી એક સ્કૂલને બોમ્બ વિસ્ફોટ કરી ઉડાવી દીધી
9 મેના રોજ, આતંકવાદીઓએ દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના શાવા વિસ્તારમાં એક ખાનગી કન્યા શાળાને આગ લગાવી દીધી હતી. જો કે, આ પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આદેશ પર સમારકામ કરીને સ્કૂલને ફરીથી ખોલવામાં આવી હતી.
ત્યારપછી માત્ર 8 દિવસ બાદ આ જ વિસ્તારની અન્ય એક સ્કૂલને આતંકીઓએ બોમ્બ વિસ્ફોટ કરી ઉડાવી દીધી હતી. ત્યારે પખ્તુનખ્વા સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી હતી.