રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
આઈપીએલની આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ સતત ચર્ચામાં છે. ફેન્સથી લઈને પૂર્વ ક્રિકેટર સુધી પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. આ વચ્ચે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને હાર્દિકની ટીકા શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલાર્ડ અને મલિંગા બેઠેલા છે. ત્યારે ત્યાં હાર્દિક પંડ્યા પહોંચે છે. તેમ લાગે છે કે તેને બેસવા માટે ખુરશી જોઈએ. આ જોઈને પોલાર્ડ પોતાની ખુરશી પરથી ઉઠવા લાગે છે. પોલાર્ડને ઉઠતો જોઈ મલિંગા તેને રોકી દે છે અને તે પોતાની ખુરશી છોડી ત્યાંથી જતો રહે છે. ત્યારબાદ પંડ્યા તે ખુરશી પર બેસી જાય છે. આ વીડિયો એકદમ નોર્મલ છે પણ આ મામલે મિમ્સ બનવાના શરૂ થઈ ગયા છે.
સીનિયર્સને સન્માન આપતા નથી આવડતું…
હવે સોશિયલ મીડિયા પર ફેન્સે તેમાં હાર્દિક પંડ્યાના વ્યવહારને ખોટો ઠેરવ્યો છે. લોકોએ લખ્યું કે બે સીનિયર ખેલાડીઓની સામે, જેણે એમઆઈને આટલું આપ્યું છે, તેની સામે પંડ્યા ઉભો ન રહી શકે. એક યૂઝરે લખ્યું કે હાર્દિક તેમ વ્યક્ત કરી રહ્યો છે કે હું કેપ્ટન છું, મારા માટે ખુરશી છોડો. તો અન્ય એક યૂઝરે લખ્યું કે હાર્દિક પંડ્યાએ મલિંગાને ઉભા થતા જોતો છતાં રોક્યો નહીં. ત્યાં સુધી કે પોલાર્ડ પણ અસહજ થઈ ગયો હતો. તેણે આગળ લખ્યું કે પંડ્યાને સીનિયરની રિસ્પેક્ટ કરતા આવડતી નથી.
સતત નિશાના પર
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ખરાબ પ્રદર્શનને કારણે સતત આલોચકોના નિશાના પર છે. બીજીતરફ હૈદરાબાદ વિરુદ્ધ મેચ બાદ ટીમ મેનેજમેન્ટ પણ આ વાતને લઈને પરેશાન જોવા મળ્યું હતું. નીતા અંબાણી અને અનંત અંબાણીની રોહિત સાથે ચર્ચાની તસવીરો પણ સામે આવી છે. નોંધનીય છે કે મુંબઈએ આ સીઝનની શરૂઆત ગુજરાત ટાઈટન્સ સામે રમી અમદાવાદથી કરી હતી. અહીં મુંબઈની ટીમ હારી હતી અને પંડ્યાને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે રોહિતને સતત બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરાવવાને લઈને પણ પંડ્યા નિશાને રહ્યો હતો. તો બીજી મેચમાં બુમરાહને બોલિંગમાં મોડા લાવવાને લઈને તે નિશાને રહ્યો હતો.
સતત થઈ રહ્યો છે વિરોધ
હાર્દિક પંડ્યાને જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી સતત વિવાદો ઉભા થઈ રહ્યાં છે. રોહિત શર્માના ફેન્સ હાર્દિકને સતત નિશાને લઈ રહ્યાં છે. તો અમદાવાદમાં મેચ દરમિયાન લોકોએ હાર્દિકનો ખુબ વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ તો રોહિતના સમર્થનમાં નારા લગાવ્યા હતા. હાર્દિક પંડ્યાને છપરી જેવા શબ્દો પણ કહ્યાં હતા.