રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
મુંબઈ ઈન્ડિયન્સમાં આ શું ચાલી રહ્યું છે? હમણા જ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલતો જોવા મળ્યો હતો. જ્યારે પછીની મેચમાં જ્યારે ટીમ જબરદસ્ત મુશ્કેલીમાં હતી ત્યારે અનુભવી રોહિત શર્માએ જવાબદારી પોતાના હાથમાં લીધી અને પોતાની રીતે ફિલ્ડિંગ જમાવતા હાર્દિક પંડ્યાને ડીપ ફિલ્ડિંગનો આદેશ આપ્યો હતો. વાત જાણે એમ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદે ગઈ કાલે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ખડો કરી નાખતા મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગને તહેસનહેસ કરી નાખી હતી.
હૈદરાબાદે વિશાળ સ્કોર કરી નાખ્યો
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે પોતાના ત્રણ બેટર્સની તોફાની ઈનિંગની મદદથી 3 વિકેટના ભોગે 277 રનનો વિશાળ સ્કોર ખડો કરી દીધો. જવાબમાં મુંબઈના બેટર્સે પણ ખુબ સંઘર્ષ કર્યો અને આકરી ફાઈટ આપતા 20 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને 246 રન બનાવી વિશાળ સ્કોરને પૂરેપૂરો જવાબ આપવાની કોશિશ કરી. જો કે લક્ષ્યાંકથી દૂર રહેતા હૈદરાબાદે 31 રનથી જીત નોંધાવી ટુર્નામેન્ટમાં ખાતું ખોલાવ્યું.
આકાશ અંબાણી સાથે શું વાત કરી રોહિતે?
આ શરમજનક હાર બાદ ટીમના માલિક અને દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી રોહિત શર્મા સાથે વાતચીત કરતા જોવા મળ્યા. રોહિત શર્મા એ જ વ્યક્તિ છે જેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે એક કે બે નહીં પરંતુ પાંચ વખત ફાઈનલ જીતી છે. આ સીઝનની બરાબર પહેલા રોહિત શર્માને અચાનક કેપ્ટન પદેથી હટાવીને બીજી ટીમમાંથી લાવવામાં આવેલા હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. ત્યારબાદથી દુનિયાભરના મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદમાં રમાયેલી પહેલી મેચ બાદ હૈદરાબાદમાં પણ હાર્દિક પંડ્યાએ સ્ટેડિયમની અંદર હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.
રમતના મોરચે પણ નબળો પડ્યો હાર્દિક?
આ બધા કરતા પણ મહત્વની વાત એ છે કે હાર્દિક પંડ્યા ખેલથી પણ પ્રભાવિત કરી શક્યો નથી. તેનો દરેક નિર્ણય ઉલ્ટો સાબિત થઈ રહ્યો છે. બુમરાહને ચોથી ઓવરમાં પહેલીવાર એટેકમાં લાવે ત્યાં સુધીમાં તો હૈદરાબાદે 40 રન કરી નાખ્યા. એટલું જ નહીં મુંબઈ માટે જ્યાં ઈશાન કિશન 261.53, રોહિત શર્મા 216.66, નમન ધીર 214.28, ટીમ ડેવિડ 190.90ના પ્રચંડ સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યા હતા ત્યાં હાર્દિક પંડ્યા 20 બોલમાં ફક્ત 24 રન 120ની સ્ટ્રાઈક રેટથી કરીને આઉટ થઈ જાય તે વિચારવા જેવી વાત છે.