ફોનથી થતા ફ્રોડ સામેના જંગમાં આપણે પણ સૈનિક

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • ભારત સરકાર ઓનલાઇન મની ફ્રોડમાં સંકળાયેલા ફોન નંબર્સ અને અન્ય વિગતોનો એક વિરાટ ડેટાબેઝ તૈયાર કરી રહી છે
  • હવે સરકારે આ ડેટાબેઝ તૈયાર કરવાના કામમાં આપણને સૌને પણ સાંકળી લીધા છે!
  • આ માટે તૈયાર કરવામાં આવેલી પહેલને ‘ચક્ષુ’ નામ આપવામાં આવ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે ઓનલાઇન ફ્રોડ સામેની લડાઈને હવે પ્રોએક્ટિવ બનાવી છે

હજી થોડા દિવસ પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં યુપીઆઇના સંદર્ભે ફ્રોડ સામે સલામતીનાં નવાં પગલાંઓ વિશે વાત કરી હતી. ત્યારે આપણે વાત કરી હતી કે ભારત સરકાર ઓનલાઇન મની ફ્રોડમાં સંકળાયેલા ફોન નંબર્સ અને અન્ય વિગતોનો એક વિરાટ ડેટાબેઝ તૈયાર કરી રહી છે જેનો કોઈને કોઈ રીતે આપણને પણ લાભ મળશે. હવે સરકારે આ ડેટાબેઝ તૈયાર કરવાના કામમાં આપણને સૌને પણ સાંકળી લીધા છે!

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સાથે ઓનલાઇન ફ્રોડ થાય એ પછી તે પોલીસ કે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવે તો એ ફ્રોડ સંબંધિત વિવિધ માહિતી તપાસકર્તાઓને મળતી હોય છે. ગયા અઠવાડિયે સરકારે આ આખી વાતને પ્રોએક્ટિવ બનાવી દીધી. એટલે કે ફ્રોડ થાય તે પછી નહીં, ફ્રોડ થયા પહેલાં પણ જોખમી ફોન નંબર્સ અને અન્ય વિગતો એકઠી થવી જોઇએ. એટલું જ નહીં, આ લડાઇમાં આપણને પણ મહત્ત્વની ભૂમિકા સોંપાઈ છે.

આ માટે તૈયાર કરવામાં આવેલી પહેલને ‘ચક્ષુ’ નામ આપવામાં આવ્યું છે. હેતુ કદાચ એવો છે કે ઓનલાઇન ફ્રોડ સામેની લડાઈમાં ચક્ષુ પહેલ હેઠળ મળતી માહિતી તપાસ સંસ્થાઓ માટે આંખ-કાનનું કામ કરે.

જોકે ચક્ષુ પહેલ તો જ સફળ થશે જો આપણે સૌ જાગૃત નાગરિક તરીકેની ભૂમિકા નિભાવીશું. આ નવી વ્યવસ્થા શી છે, તેમાં આપણી ભૂમિકા શી છે અને આ બધું આપણને લાંબે ગાળે કેવી રીતે મદદરૂપ થશે તેની વાત કરીએ.

શંકાસ્પદ ફોન નંબર્સ રિપોર્ટ કરવા માટે નવું પોર્ટલ

ગયા અઠવાડિયે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડીઓટી)એ ‘ચક્ષુ’ નામે એક પોર્ટલ લોન્ચ કર્યું. એસએમએસ, કોલ કે વોટ્સએપ દ્વારા કોઈ પણ રીતે શંકાસ્પદ લાગે તથા આપણને ઓનલાઇન ફ્રોડનો શિકાર બનાવવાનો પેંતરો લાગે તેવી રીતે સંપર્ક કરનાર વ્યક્તિનો ફોન નંબર આપણે આ પોર્ટલ પર જણાવી શકીશું. યાદ રહે કે આપણે આવી રીતે આવેલા કોઈ પણ એસએમએસ, કોલ કે વોટ્સએપ મેસેજ પર આગળ વધીએ અને ઓનલાઇન ફ્રોડનો ભોગ બનીને રૂપિયા ગુમાવી બેસીએ તો તેની ફરિયાદ નોંધાવવા માટે આખી અલગ વ્યવસ્થા છે. એ માટે આપણે પોલીસ, ૧૯૩૦ નંબર પર અથવા https://cybercrime.gov.in/ પર ફરિયાદ નોંધાવવાની રહે છે.

ચક્ષુ પોર્ટલ માત્ર શંકાસ્પદ લાગતા ફોન નંબર્સ રિપોર્ટ કરવા માટેની વ્યવસ્થા છે. આવી વ્યવસ્થાની ઘણા સમયથી જરૂર હતી. આજના સમયમાં આપણી બેંકિંગ વ્યવસ્થા સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ બની ગઈ છે. સૌ કોઈ આંખના પલકારે, આંગળીના ઇશારે રૂપિયાની આપલે કરી શકે છે. આ વ્યવસ્થા પોતે જડબેસલાક છે પરંતુ તેમાં નાણાંની આપલેની ઝડપ એટલી બધી છે કે માનવસહજ ડર, લાલચ કે ગફલતને કારણે રૂપિયા ગુમાવી બેસવાનો ભય પણ બહુ રહે છે.

ભારતમાં લોકોનો ઓનલાઇન સંપર્ક કરીને તેમને કોઈને કોઈ રીતે જાળમાં ફસાવી રૂપિયા ખંખેરી લેવાનો રીતસર એક ગૃહઉદ્યોગ શરૂ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. અગાઉ નાઇજિરિયા દેશ આ બાબતે કુખ્યાત હતો. પરંતુ હવે ભારતમાં જ ખાસ કરીને રાજસ્થાન અને ઝારખંડ જેવાં રાજ્યોમાં ઓનલાઇન છેતરપિંડીનો ધંધો જબરજસ્ત ફૂલ્યોફાલ્યો છે. ૨૦૨૧ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતમાં ફક્ત એક નાણાકીય વર્ષમાં ઓનલાઇન ફ્રોડમાં લોકોએ કુલ રૂા.૧.૩૮ ટ્રિલિયન ગુમાવ્યા હોવાનો અંદાજ છે.

ઓનલાઇન ફ્રોડ કરતા લોકો માટે સૌથી હાથવગું હથિયાર એસએમએસ, કોલ કે વોટ્સએપ મેસેજ હોય છે. આ ત્રણેય રીતે સંપર્ક કરતી વખતે સાયબર ક્રિમિનલ્સ પોતાની રીતરસમ સતત બદલતા રહે છે. પરિણામે લોકો તેમાં ભેરવાઈ જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે જાગૃતિ ઊભી કરવી એ સૌથી મોટું કામ છે. ખરેખર તો એવી જાગૃતિ કેળવાયા પછી ચક્ષુ પોર્ટલ તપાસ સંસ્થાઓને વધુ ઉપયોગી થઈ શકે. તેમ છતાં આ પહેલ ભારતમાં સાયબર ફ્રોડ સામે સલામતી ઊભી કરવામાં મદદરૂપ થાય તેવી આશા ચોક્કસ છે.

આપણે આપણા પર આવતા શંકાસ્પદ ફોન કે મેસેજની માહિતી આ પોર્ટલ પર આપવાનું શરૂ કરીશું એ પછી સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ તેનું એનાલિસિસ કરશે અને રિપોર્ટ થતા ફોન નંબર્સમાંથી ખરેખર ક્યા નંબર સાયબર ક્રિમિનલ્સના હોઈ શકે છે અને તેઓ સામાન્ય રીતે કેવી ટ્રિક્સ અજમાવે છે તેના ટ્રેન્ડ પારખીને તેની સામે જાગૃતિ અને સલામતીનાં પગલાં લેવામાં આવશે.

એ રીતે જોઇએ તો અત્યાર સુધી ભારતમાં ઓનલાઇન ફ્રોડ થયા પછી તેની તપાસ અને પગલાં લેવાનું વલણ હતું. હવે એક ડગલું આગળ વધીને ફ્રોડ થયા પહેલાં જ જોખમી બાબતોને તારવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

બીજી રીતે જોઇએ તો હવે ભારતભરના, ફોન ધરાવતા તમામ લોકો પણ ફ્રોડ સામેના જંગમાં જોડાઈ શકે છે અને સરકારના આંખ-કાન બની શકે છે. આપણે જેટલા વધુ પ્રમાણમાં શંકાસ્પદ નંબર્સ અને અન્ય વિગતો આ પોર્ટલ પર આપીશું એટલા જ આપણે પોતે વધુ સલામત બનીશું.

આ પોર્ટલનો ઉપયોગ કરવાનાં પગલાં

યાદ રહે, આ વ્યવસ્થા માત્ર શંકાસ્પદ લાગતા કોલ, એસએમએસ અને વોટ્સએપના મેસેજિસ જે નંબર પરથી આવ્યા હોય તેને રિપોર્ટ કરવા માટે છે, ફ્રોડ થયા પછીની ફરિયાદ કરવા માટે નહીં.

ચક્ષુ પોર્ટલની આખી વ્યવસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે વિક્સાવી છે, આથી તેમાં માત્ર કોલ, એસએમએસ અને વોટ્સએપ નંબરથી આપતા શંકાસ્પદ ફ્રોડ કોલિંગ કે મેસેજને રિપોર્ટ કરવાની વ્યવસ્થા છે. ઇમેઇલ્સ કે અન્ય સોશિયલ મીડિયાની મદદથી પણ મોટા પ્રમાણમાં ફ્રોડ થાય છે, પરંતુ કોલ/એસએમએસ/વોટ્સએપમાં ફોન નંબર એક બહુ મોટી કડી બની શકે છે. તમારા પર શંકાસ્પદ નંબરથી મેસેજ કે કોલ આવતા હોય તો https://sancharsaathi.gov.in/sfc/ પર જાઓ. તેમાં ‘કંટિન્યૂ ફોર રિપોર્ટિંગ’ પર ક્લિક કરી, શંકાસ્પદ નંબર રિપોર્ટ કરવા માટે આગળ વધો.

આપણા પર શંકાસ્પદ કોલ કે મેસેજ જે રીતે આવ્યો હોય તે મીડિયમ – કોલ/એસએમએસ/વોટ્સએપ – પસંદ કર્યા પછી તેને સંબંધિત વધુ વિગતો આપી શકાશે. લેખની શરૂઆતમાં, ઉપર જમણા ખૂણાના બોક્સમાં જણાવેલી ફ્રોડની વિવિધ કેટેગરીમાંથી આપણે કોઈ એક પસંદ કરી શકીશું.

વોટ્સએપના કિસ્સામાં, વોટ્સએપ કંપનીને પણ આ વિશે જાણ કરવાનું સૂચવવામાં આવે છે.

આપણે ફ્રોડ સંબંધિત કમ્યુનિકેશનનો સ્ક્રીનશોટ, તારીખ અને સમય તથા એ વિશેની આપણી ફરિયાદ ટૂંકમાં જણાવી શકીએ છીએ.

બદઇરાદાથી, નિર્દોષ વ્યક્તિના ફોન નંબરનું ખોટું રિપોર્ટિંગ ન થાય એ માટે ફરિયાદ કરનારે પોતાનું નામ તથા મોબાઇલ નંબર જણાવવાં પડે છે તેમ જ ઓટીપીથી મોબાઇલ નંબર વેરિફાય પણ કરવો પડે છે. ફ્રોડ કરવાનો પ્રયાસ કરતા લોકોના ફોન નંબર આ રીતે વધુ ને વધુ પ્રમાણમાં રિપોર્ટ થતા જાય એ પછી ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને અન્ય તપાસ સંસ્થાઓ આ નંબર્સ સામે યોગ્ય પગલાં લઈ શકે છે – પહેલ આપણે કરવાની છે!

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com