તા 14/ ૩/ 23 , રીટા જાડેજા (અરવલ્લી સમાચાર )
- પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો ગુજરાતના આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન …
- ગુજરાતના કયા જિલ્લામાં શું જોવાલાયક છે ??
ગુજરાતના આ સૌથી બેસ્ટ સ્થળો તમારા માટે બની શકે છે બેસ્ટ ઓપ્શન. લોકો દેશ-વિદેશમાં ફરવા જતા હોય છે અને ત્યાંની તસવીરો પોતાના સોશ્યિલ મીડિયામાં શેર કરતા હોય છે. પણ ગુજરાતના આ સ્થળો અસીમ કુદરતી સૌદર્યનો ખજાનો છે. જો તમે આ સ્થળોની મુલાકાત લેશો તો ચોક્કસ તમે પણ કહેશો કે સાચી જન્નત તો ગુજરાતમાં જ છે. ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.
ગીરનું જંગલ (જૂનાગઢ)
ગીરનું જંગલ (જૂનાગઢ)
ગુજરાતનો સૌથી મોટું અભયારણ્ય વિસ્તાર એટલે ગીર. સાવજોની વસ્તી ધરાવતું આ અદભૂત સ્થળ પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. ગીરના જંગલોમાં વૈવિધ્યસભર વૃક્ષો જોવા મળે છે. વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણે છે. ગીરનું જંગલ વરસાદ અને ઠંડીની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. એશિયામાં માત્ર ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. દેશ-વિદેશથી લોકો ગીરમાં સિંહો જોવા આવે છે. ગીરનું જંગલ પ્રાકૃતિક સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. માનસિક શાંતિ માટે અને પ્રકૃતિની ખોજમાં ખોવાઈ જવા માટે ગુજરાતમાં ગીરનું જંગલ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ પણ આવેલા છે. ઉપરાંત તમે ઉના, વિસાવદરમાં પણ રોકાઈ શકો. ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે.
ધોરડો સફેદ રણ (કચ્છ)
ધોરડો સફેદ રણ (કચ્છ)
કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચન્દ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ કરાવે છે. અહીં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં કચ્છની પરંપરાગત-કલાત્મક વસ્તુઓ પણ મળે છે. કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ક્ષારના કારણે રણની રેતીનો ભુખરો રંગ સફેદ થઇ જાય છે. અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું દ્રશ્યમાન થાય છે. આથી આ રણને સફેદ રણ પણ કહેવામાં આવે છે. શીતળ ચાંદનીમાં આ રણનીનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી (નર્મદા)
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી (નર્મદા)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે.
સાપુતારા (ડાંગ)
સાપુતારા (ડાંગ)
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે.
સાપુતારાથી થોડે દૂર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે.
જાંબુઘોડા (પંચમહાલ)
જાંબુઘોડા (પંચમહાલ)
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990ની સાલમાં તેને અભયારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે. એ જ કારણ છે કે, અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં એક વન વિભાગનું આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો પણ આવેલાં છે.
પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)
પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)
પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે. આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે.
તારંગા (મહેસાણા)
તારંગા (મહેસાણા)
મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંની મુલાકાત લેનારને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.
પીરોટન આઈલેન્ડ (જામનગર)
પીરોટન આઈલેન્ડ (જામનગર)
પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે 12 નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ 3 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે. મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમ્યાન મુલાકાતે આવે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે. ભારતીય નાગરીકો માટે વન વિભાગ, કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે. પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે.
પાલિતાણા (ભાવનગર)
પાલિતાણા (ભાવનગર)
ભાવનગરમાં પાલિતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થાન છે. આ નગરને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. મંદિરોમાં અદભૂત કોતરણી, પવિત્રતાનો સંગમ, આહલાદક અને શાંતિનો અનુભવ માટે પાલિતાણાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહીં સુંદર શેત્રુંજય પર્વત પણ આવેલો છે. જેના શિખર પર અનેક નાના-મોટા જૈન મંદિરો આવેલા છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલા આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અહીંયાનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરે છે.
નળ સરોવર (અમદાવાદ)
નળ સરોવર (અમદાવાદ)
અમદાવાદના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને અહીં સાઇબેરીયાથી પક્ષીઓ પણ આવે છે. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં ગુલાબી પેલિકન, ફ્લેમિંગો, ક્રેક્સ, હર્ન્સ, સફેદ સ્ટોર્ક સહિતના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળશે. શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે.
દ્વારકા
દ્વારકા
ભગવાન શ્રીકૃષ્ણની નગરી એટલે કે દ્વારકા પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે. દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવા લાયક સ્થળો છે. અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે. અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટદ્વારકા આવેલું છે. વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દ્વારકાથી ફેરીબોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય. મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ આવેલા છે. દ્વારકામાં આદ્ય શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે.
ડાંગ
ડાંગ
ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર એટલે ડાંગ. જ્યા સાપુતારા હિલ સ્ટેશન, ગિરા ધોધ, બોટનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ, ધરમપુર હિલ્સ આવેલા છે. ડાંગને કુદરતનું વરદાન મળેલું છે. અને એટલે જ તેને ગુજરાતનું સ્વર્ગ ગણવામાં આવે છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. અહીં સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. આ જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. અહીં અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગિરા નદી આવેલી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અહીં જ પડે છે. ડાંગ મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંનું હવામાન એકદમ ખુશનુમા રહે છે. કુદરતના ખોળે વસેલું હોવાના કારણે ગરમીમાં પણ અહીં 28 ડિગ્રીથી વધુ તાપમાન નથી રહેતું. ઉનાળામાં રજાઓ ગાળવા માટે ડાંગ સૌથી સારી જગ્યા છે.
ઈડરિયો ગઢ (સાબરકાંઠા)
ઈડરિયો ગઢ (સાબરકાંઠા)
સાબરકાંઠામાં આવેલું છે ઈડર. ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઈડરના ગઢ એ જીતનું પ્રતિક છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે. અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઈડર. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની વિશાળકાળ શીલાઓ. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. શિયાળા અને ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો. ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર ભરી રહેશે.