અરવલ્લી સમાચાર બ્યુરો
અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી 3 તાલુકાના 73 તળાવો ભરવાની યોજના આગામી મે-2025 સુધીમાં પૂર્ણ કરાશે. તેમજ યોજના પૂર્ણ થતાં તળાવો ભરવાની સાથે ત્રણેય તાલુકાની 2200 હેક્ટર જમીનને સિંચાઇનો પરોક્ષ લાભ મળશે તેવું વિધાનસભામાં જળસંપતિ મંત્રીએ જણાવ્યું હતું.
વિધાનસભામાં બાયડ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાએ મંગળવારે અરવલ્લીના વાત્રક જળાશય આધારીત ઉદવહન સિંચાઇ યોજનાને લઇ સવાલ કર્યો હતો. જેના જવાબમાં જળસંપતિ મંત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના 3 તાલુકાના 73 તળાવમાં વાત્રક જળાશયથી પાણી ભરવાની યોજના આગામી મે-2025 સુધીમાં પૂર્ણ થશે. આ યોજના પાછળ છેલ્લા એક વર્ષમાં રૂ.89.25 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. યોજના પૂર્ણ થતાં માલપુર તાલુકા 40, મેઘરજ તાલુકાના 26 અને મોડાસા તાલુકાના 7 તળાવોમાં વાત્રકના પાણી ભરવામાં આવશે. આ સાથે ત્રણેય તાલુકાની 2200 હેક્ટર જમીનની સિંચાઇનો પરોક્ષ લાભ મળશે.